ગુજરાત
News of Friday, 22nd October 2021

સરકારી બાબુઓએ દિવાળીમાં

લાંચ લેવાની પધ્ધતિ બદલીઃ પેકેજ ટૂર ઇલેકટ્રોનિકસ ગેઝેટ, સોનાની માંગણી

દુબઇ, કાશ્મીર, માલદિવની પેકેજ ટૂર ઉપરાંત હોટેલના ખર્ચા પણ માંગી લેવાય છે

અમદાવાદ,તા. ૨૨: દિવાળીના તહેવારોમાં લાંચ રૂશ્વતનું પ્રમાણ સામાન્ય દિવસો કરતા લગભગ બમણું થતુ હોય છે. જો કે લાંચ રૂશ્વત વિરોધી એકમાં થતી ફરિયાદોમાં વધારો થતા અને દરોડાની કાર્યવાહી થતાં લાંચ લેતા બાબુઓએ તેમની મોડ્સ ઓપરેન્ડી બદલી છે.

જેમાં રોકડના બદલે દિવાળી વેકેશનની ટુર અને અન્ય ત્રાહિત વ્યકિતઓના નામે ઇલેકટ્રોનીકસ ગેઝેટસ કે ગોલ્ડની ખરીદી કરવામાં આવી રહી છે. તો એસીબી  પણ હવે આ પ્રકારના આર્થિક વ્યવહારો પર નજર રાખી રહી છે. અને આ માટે વિવિધ વિભાગોમાં વોચ ગોઠવીને બાતમીદારો સક્રિય કરાયા છે. તો વિવિધ શો રૂમમાં થતી ખરીદી અંગે તપાસ કરવા માટ. વિશેષ ટીમ તૈયાર કરી છે.આમ, લાંચ લેવાની મોડ્સ ઓપરેન્ડી બદલાતા એસીબી પણ વધુ સક્રિય થઇ છે.

દિવાળીના તહેવાર પહેલા બિલ પાસ કરાવવાના હોય કે દિવાળી પેટે રોકડની લાંચ લેવાની પરંપરા સામાન્ય બની ગઇ છે. ત્યારે એસીબીમાં આવતી ફરિયાદનું પ્રમાણ વધ્યું છે. જેમાં હવે રોકડમાં વ્યવહાર કરવાને આર્થિક વ્યવહારમાં દિવાળી ટુર, ઇલેકટ્રોનીકસ ગેઝેટસ અને સોના ચાંદીના રૂપમાં લાંચ લેવાનું શરૂ કરાયું છે. એસીબીના સુત્રોના જણાવ્યા મુબજ દુબઇ, કાશ્મીર, ગોવા, માલદીવ, અને ઉતર પશ્ચિમ ભારતના રાજ્યોની ટૂર સૌથી વધારે લાંચના બદલે લે.વામાં આવી રહી છે. લાંચ આપનાર વ્યકિત માત્ર આવવા જવાનો ખર્ચ નહીં પણ હોટલનો, જમવાનો ખર્ચ પણ ચુકવે છે. તો કેટલાંક કિસ્સામાં પ્રવાસન સ્થળે ખરીદી કરવા માટેની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. જો કે આ પ્રકારની લાંચ લેવાની મોડસ ઓપરેન્ડી નાના શહેરો અને તાલુકા સ્તરે જોવા મળે છે. જ્યારે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા મોટા શહેરોમાં દિવાળી પહેલા જ કેટલાકં બાબુઓએ ઇલેકટ્રોનીકસ ગેઝેટ્સના ઓર્ડર તેમના એજન્ટ દ્વારા લખાવી લે છે અને દિવાળી પહેલા ડીલેવરી પણ લઇ લે છે. આ કિસ્સામાં બીલ ત્રાહિત વ્યકિતના નામનુ હોય છે.

હાલ ગોલ્ડ અને સિલ્વર કોઇના લાંચ લેતા અધિકારીઓમાં ફેવરીટ છે જેમાં મહતમ પાંચ ગ્રામનો જ ગોલ્ડ કોઇન હોય તો પણ તેને અલગ અલગ સ્થળે છુપાવી શકાય. જ્યારે ચાંદીમાં મહતમ ૨૫૦ ગ્રામની લગડી લેવામાં આવે છે. ત્યારે એસીબી માટે પ્રકારના આર્થિક વ્યવહારમાં સફળ ટ્રેપ કરવી મુશ્કેલ પડે છે. આ સમયે એસીબીએ તેમના બાતમીદારો, કેટલાંક અધિકારીના શંકાસ્પદ વ્યવહારો અને નાના સેન્ટરમાં અધિકારીઓ અને તેમના પરિવારજનો દ્વારા થતા પ્રવાસો પર નજર રાખવાનું શરૂ કર્યું છે. જો કે એસીબી પાસે મર્યાદિત સ્ટાફ હોવાને કારણે એસીબી પાસે મર્યાદિત સ્ટાફ હોવાને કારણે એસીબીએ પણ વિવિધ વિભાગોામં બામતીદારો સક્રિય કર્યા છે. તો સાથે સાથે જે તે વિભાગના અધિકારીઓ વિરૂધ્ધ અરજી કે ટોલ ફ્રી નંબર પર આવતી ફરિયાદોને આધારે તપાસ કરી શરૂ કરી છે. જેમાં પુરાવા મળતા એસીબી કામગીરી કરતી હોય છે.

રોકડ વ્યવહાર સિવાયની લાંચને સાબિત કરવી મુશ્કેલ : એસીબી

એસીબીના અધિકારીએ જણાવ્યું હતુ કે એસીબીની ટોલ ફ્રી હેલ્પલાઇન પર લાંચની મોડલ ઓપરેન્ડી બદલનાર અધિકારીઓ અંગે અનેક કોલ આવે છે. જેની યાદી એસીબી દ્વારા રાખવામાં આવી રહી છે અને તેના આધારે તપાસ કરવામાં આવે છે. પરંતુ એસીબીએ આ પ્રકારના વ્યવહારમાં સીધી ટ્રેપ કરવામાં મુશ્કેલી પડે છે. આવા સમયે  ટેકનીકલ પુરાવા પણ મહત્વની બની રહે છે. જેથી આ પ્રકારના કિસ્સામાં ધીરજપૂર્વક તપાસ કરવી જરૂરી બને છે. સામાન્ય રીતે જો રોકડ વ્યવહાર થવાના હોય તો એસીબી ટ્રેપ ગોઠવે છે અને તેમાં ૮૦ ટકા ટ્રેપમાં સફળતા પણ મળે છે

(9:59 am IST)