ગુજરાત
News of Tuesday, 22nd October 2019

કુકીંગ ઓઈલની વિગત હવે બોર્ડ પર લગાવવી જરૂરી છે

મીઠાઇ-ફરસાણના વેપારીઓ માટે માર્ગદર્શિકા : મીઠાઈ વેચતા વેપારી ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું રજિસ્ટ્રેશન કરાવવું પણ ફરજિયાત રહેશે

અમદાવાદ, તા.૨૨ : દિવાળીના તહેવારો દરમ્યાન મીઠાઈ અને ફરસાણના વેપારીઓ માટે એક નવી એડવાઈઝરી જારી કરવામાં આવી છે. જે મુજબ, હવેથી વેપારીઓએ મીઠાઈ અને ફરસાણમાં વપરાતાં કુકીંગ ઓઈલની વિગતો નોટિસ બોર્ડ પર લગાવવી પડશે. વેપારીઓએ વારંવાર ખાદ્ય તેલનો ઉપયોગ નહીં કરી શકે.રાજ્યમાં નાગરિકોને દિવાળીના તહેવારો દરમિયાન શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મીઠાઇ અને ફરસાણ મળી રહે એ માટે રાજ્ય સરકારે મીઠાઇ અને ફરસાણના વેપારીઓને તકેદારી રાખવા માટે સૂચનાઓ આપી છે. રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર એચજી કોશિયા દ્વારા જણાવ્યાનુસાર મીઠાઇ તથા  ફરસાણના વેપારીઓએ તેઓ દ્વારા વેચવામાં આવતી ખાદ્યચીજ વસ્તુઓ કયા કુકીંગ માધ્યમમાં બનાવવામાં આવી છે જેવા કે ઘી, ખાદ્યતેલનો પ્રકાર વનસ્પતિ અથવા અન્ય ફેટની જાણકારી નાગરિકો જોઇ શકે તે રીતે દુકાનના નોટીસ બોર્ડ પર પ્રદર્શિત કરવાની રહેશે. કોશિયાએ ઉમેર્યું કે, દિવાળીના તહેવારો દરમિયાન મીઠાઇ, ફરસાણ, ચોકલેટ, દુધ, ઘી, માવો વગેરેની માંગ ખૂબ મોટા પ્રમાણમાં વધતી હોવાના કારણે ખાદ્યચીજવસ્તુઓનું ઉત્પાદન, સંગ્રહ, વેચાણ કરતા તમામ વેપારીઓએ ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એકટ-૨૦૦૬ તથા તેના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

                તેમણે ઉમેર્યું કે, વેપારીઓ દ્વારા વેચાણ કરાતી ખાસ કરીને દુધની બનાવટો માટે પેક તથા લુઝમાં મીઠાઇમાં બેસ્ટ બીફોર/યુઝડ બાય ડેટ અવશ્ય લખવાની રહેશે. તમામ વેપારીઓએ સ્વચ્છતા અને આરોગ્યપ્રદ સ્થિતિમાં જ ખાદ્યચીજવસ્તુ બનાવવાની, વેચાણ કરવાની તેમજ સંગ્રહ કરવાની રહેશે. કોઇપણ જાતના અમાન્ય કલર/સુગંધીત દ્રવ્યો કે એડીટીવ્સ વાપરવાના રહેશે નહીં. ખાદ્યતેલનો વારંવાર તળવા માટે ઉપયોગ કરવાનો રહેશે નહીં તમામ ખાદ્યચીજવસ્તુઓના પેકીંગ ઉપર યોગ્ય ટેબલ તથા શેલ્ફ લાઇફ અવશ્ય લખવાની રહેશે. જે મીઠાઇ કે ફરસાણનું લુઝ અવસ્થામાં વેચાણ કરવામાં આવે છે તેના કન્ટેઇનર કે ટ્રે ઉપર બેસ્ટ બિફોર અથવા યુઝ બાય ડેટ અવશ્ય લખવાના રહેશે તેમજ તે મીઠાઇ કે ફરસાણ જે ખાદ્યતેલ/ઘી કે વનસ્પતિમાંથી બનાવવામાં આવ્યું છે તેની વિગત અવશ્ય જાહેર કરવાની રહેશે. ડેરી આધારિત ઉત્પાદનોના સ્ત્રોતનો રેકર્ડ અવશ્ય નિભાવવાનો રહેશે. એફએસએસએઆઇનું લાયસન્સ/રજીસ્ટ્રેશન નાગરિકો જોઇ શકે તે રીતે લગાવવાનું રહેશે. તેમજ હંગામી ધોરણે માંડવા/સામિયાણા બાંધીને વેચાાણ કરતા વેપારીઓએ રજીસ્ટ્રેશન અવશ્ય કરવાનું રહેશે. આ અંગેની વિગતવાર ગાઇડ લાઇન એફએસએસએઆઇની વેબસાઇટ પર ઉપલબ્ધ છે એમ, વધુમાં જણાવાયું છે.

(8:50 pm IST)