ગુજરાત
News of Tuesday, 22nd October 2019

દિવાળીના તહેવારોમાં બજાર વિસ્‍તારમાં ઘનિષ્‍ઠ ચેકીંગના આદેશોઃ પોલીસ એલર્ટ

અમદાવાદ : હાલમાં દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. જેના કારણે મોટા પ્રમાણમાં લોકો ખરીદી કરવા માટે બજારોમાં જઇ રહ્યા છે. જેથી શહેરનાં મુખ્ય બજારોમાં ખુબ જ ભીડ જોવા મળી રહી છે. જેથી કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસને એલર્ટ રહેવા માટે રાજ્યના પોલીસ વડાએ આદેશ આપ્યો છે. જીલ્લા પોલીસ વડાએ તમામ જીલ્લા અને શહેરની પોલીસને એલર્ટ રહેવા માટે સુચના આપવામાં આવી છે. કોઇ અનીચ્છનીય ઘટના ન બને તે માટે એલર્ટ રહેવાની સુચના આપવામાં આવી છે.

તમામ જિલ્લા મથકોનાં પોલીસ વડા તથા પોલીસ સ્ટેશન પીઆઇને સતર્ક રહેવા માટે સુચન કરવામાં આવ્યું છે. તમામ ભીડભાડવાળા વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવા માટેના નિર્દેશ આપવામાં આવ્યા છે. મોલ, મલ્ટિપ્લેક્સ, પાર્કિંગ વગેરે જેવા ભીડભાડવાળા વિસ્તારોમાં સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવા તથા કોઇ પણ શંકાસ્પદ પ્રવૃતી દેખાય તો તુરંત જ કાર્યવાહી કરવા માટેનું સુચન કરવામાં આવ્યું છે. જો કે કાર્યવાહી દરમિયાન કોઇ ધર્મ સંપ્રદાય વિશેષની લાગણી ન દુભાય તે અંગેની પણ ખાસ તકેદારીનાં નિર્દેશ અપાયા છે.

બેંક, એટીએમ સહિતની જગ્યાઓ પર ખાનગી કપડામાં પેટ્રોલીંગ કરવા માટે પણ સુચના અપાઇ છે. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને એરપોર્ટ પર પણ સધન ચેકિંદ કરવામાં આવે તેવી તાકીદ કરવામાં આવી છે. હોટલ ગેસ્ટ હાઉસમાં કોઇ શંકાસ્પદ વ્યક્તિ નથી તે અંગે પણ ખાસ તકેદારી રાખવા માટેના સુચનો આપવામાં આવ્યા છે. કોઇ પણ શંકાસ્પદ હિલચાલ દેખાય તો તુરંત જ કાર્યવાહી કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે. તહેવારો દરમિયાન કોઇ પણ પ્રકારે શાંતિ ન ડહોળાય તેનુ ધ્યાન રાખવા માટે આદેશ અપાયો છે.

(5:47 pm IST)