ગુજરાત
News of Tuesday, 22nd October 2019

વડોદરા રજિસ્ટ્રાર કચેરીમાં ઓપરેટરોને ત્રણ માસથી પગાર નહિ મળતા વીજળીક હડતાળ: લોકોને મુશ્કેલી

સાંજ સુધીમાં ઓપરેટરોના સેલેરી એકાઉન્ટમાં પગાર જમા થઇ જશે: કંપનીની ખાતરી

વડોદરા રજિસ્ટ્રાર કચેરીમાં કોન્ટ્રાક્ટ ઉપર નોકરી કરતા ઓપરેટરોને છેલ્લા ત્રણ માસથી પગાર ન મળતા વીજળીક હડતાળ ઉપર ઉતરી ગયા હતા. ઓપરેટરો હડતાળ ઉપર ઉતરી જતાં દસ્તાવેજ સહિતની કામગીરી માટે આવેલા લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.

વડોદરા શહેરમાં અકોટા, નર્મદા ભુવન, કુબેર તેમજ વાઘોડિયા, ડભોઇ, સાવલી, કરજણ, પાદરા, શિનોર, ડેસર ખાતે સબ રજિસ્ટ્રારની કચેરી આવેલી છે. આ કચેરીઓમાં દસ્તાવેજની કામગીરી માટે ૬૦ જેટલા ઓપરેટરો કોન્ટ્રાક્ટ ઉપર રાખવામાં આવ્યા છે. જે ઓપરેટરો મુકવાનો કોન્ટ્રાક્ટ આર્ક ઇન્ફો લિમીટેડનો છે. કંપની દ્વારા આ ઓપરેટરોને છેલ્લા ત્રણ માસથી પગાર ન મળતા ઓપરેટરો વીજળીક હડતાળ ઉપર ઉતરી ગયા હતા. ઓપરેટરો હડતાળ ઉપર ઉતરી જતાં દસ્તાવેજ સહિતની કામગીરી માટે આવેલા લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.

   ઓપરેટરોએ જણાવ્યું હતું કે, અનેક વખત રજૂઆત કરવા છતાં, પગાર કરવામાં આવતો ન હતો. ત્રણ માસથી પગાર ન થતાં ઘરનું ગુજરાન ચલાવવા સહિતની મુશ્કીલોઓ શરૂ થઇ ગઇ હતી. આગામી દિવસોમાં દિવાળી હોવા છતાં, પગાર ન થતાં ઓપરેટરોને હડતાળ ઉપર જવા સિવાય કોઇ માર્ગ રહ્યો ન હતો. આથી તમામ ઓપરેટરો હડતાળ ઉપર ઉતરી ગયા હતા. કોન્ટ્રાક્ટર દ્વારા સાંજ સુધીમાં પગાર ચૂકવી દેવાની ખાતરી આપતા ઓપરેટરોએ કામ રાબેતા મુજબ શરૂ કરી દીધું હતું

  . પૂર્વ આયોજન પ્રમાણે ઓપરેટરો ઓફિસમાં આવ્યા ન હતા અને કામથી દૂર રહ્યા હતા. હડતાળ સમેટાયા પછી પણ કેટલાંક ઓપરેટરો ન આવતા શહેર-જિલ્લાની સબ રજિસ્ટ્રાર કચેરીમાં વિવિધ કામ માટે આવેલા લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. કેટલાંક લોકો ઓપરેટરોની હડતાળના સમાચાર સાંભળી રવાના થઇ ગયા હતા. હતા, તો દસ્તાવેજની કામગીરી માટે આવતા વકીલોએ પણ પોતાના ગ્રાહકોને બીજા દિવસે આવવા માટે જણાવી દીધું હતું. આર્ક ઇન્ફો લિમીટેડના જવાબદાર કાર્તિક ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ઓપરેટરના પગારની વ્યવસ્થા થઇ ગઇ છે. સાંજ સુધીમાં ઓપરેટરોના સેલેરી એકાઉન્ટમાં પગાર જમા થઇ જશે.

(1:53 pm IST)