ગુજરાત
News of Monday, 22nd October 2018

શહેરમાં ફુલગુલાબી ઠંડીના વાતાવરણનો અહેસાસ થયો

હવામાનમાં પલટાને લઇ પરોઢનું વાતાવરણ બદલાયું : વાતાવરણમાં ફેરફારને લઇ નાગરિકોને જાણે શિયાળાની ઠંડીની મોસમ કેવી જામશે તેનો અણસાર મળ્યો

અમદાવાદ, તા.૨૨ : શહેર સહિત રાજ્યભરમાંથી ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લેતાં નાગરિકોમાં શિયાળાના આગમનની પ્રતીક્ષા હતી. અગાઉના વર્ષમાં નવરાત્રિ ઉત્સવ દરમ્યાન પણ વાતાવરણમાં ઠંડી જણાતી હતી, અલબત્ત, હવે ગ્લોબલ વોર્મિંગના કારણે ઋતુચક્રમાં અમુક અંશે ફેરફાર નોંધાયો છે, જોકે આજે સવારે અચાનક હવામાનમાં પલટો આવીને ઠંડક વર્તાઇ હતી. શહેરીજનોએ રંગેચંગે નવરાત્રીને ઊજવ્યા બાદ શિયાળાની ઠંડી લોકોમાં ચર્ચાસ્પદ બની છે. ચોમાસા નિષ્ફળ નીવડ્યું હોઇ શિયાળો કેવી જમાવટ કરશે તેની લોકમુખે ચર્ચા ચાલી રહી છે. જોકે આજે સવારથી શહેરમાં વાતાવરણ શહેરમાં લઘુત્તમ તાપમાન ૧૮.૭ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું કે જે સામાન્ય તાપમાન કરતાં એક ડિગ્રી ઓછું હતું. આગામી દિવસોમાં લઘુતમ તાપમાનમાં ઘટાડો થઇને ૧૮ ડિગ્રી સેલ્સિયસ રહેવાની શકયતા છે. દરમ્યાન રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આજે ૧૬.પ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાતાં તે રાજ્યનું સૌથી વધુ ઠંડુંગાર શહેર બન્યું હતું. જ્યારે નલિયામાં ૧૭.૮, વડોદરામાં ર૦.૦, સુરતમાં રર.૪ અને રાજકોટમાં ર૦.૮ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું  હતું. અમદાવાદ સહિત રાજયભરમાં હવામાનમાં પલટા અને વાતાવરણમાં નોંધાયેલા ફેરફારને લઇ મોડી રાતે અને પરોઢે ફુલગુલાબી ઠંડીનો અહેસાસ થતાં નાગરિકોને શિયાળાની ઠંડીના અણસાર મળતા હતા. જેને લઇ ઠંડી પ્રેમી નાગરિકોમાં ખુશીની લાગણી પ્રસરી હતી. હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં પણ હાલમાં લઘુત્તમ અને મહત્તમ તાપનમાં કોઈ વધારે ફેરફાર જોવા નહીં મળે પરંતુ ધીમી ગતિએ ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે. ગુજરાતમાં મોટાભાગે વધુ ઠંડીનો અનુભવ નલિયામાં થાય છે. ઠંડીની સિઝનમાં નલિયામાં પારો સૌથી નીચે પહોંચે છે.

ગુજરાતમાં તાપમાન

અમદાવાદ, તા.૨૨ : અમદાવાદ સહિત ગુજરાતમાં ફુલગુલાબી ઠંડીનો અહેસાસ વહેલી પરોઢે અને મોડી રાત્રે થવા લાગ્યો છે. લઘુત્તમ તાપમાન ક્યાં કેટલું નોંધાયું તે નીચે મુજબ છે.

સ્થળ......................................... તાપમાન (મહત્તમ)

અમદાવાદ.................................................... ૧૮.૭

ડિસા............................................................. ૧૯.૧

ગાંધીનગર.................................................... ૧૬.૫

વીવીનગર.................................................... ૨૧.૫

વડોદરા........................................................... ૨૦

સુરત............................................................ ૨૨.૪

વલસાડ........................................................ ૨૧.૧

અમરેલી....................................................... ૧૯.૫

ભાવનગર........................................................ ૨૨

રાજકોટ........................................................ ૨૦.૮

સુરેન્દ્રનગર................................................... ૨૦.૪

ભુજ.............................................................. ૨૩.૩

નલિયા......................................................... ૧૭.૮

કંડલા એરપોર્ટ.............................................. ૧૯.૨

કંડલા પોર્ટ.................................................... ૧૯.૨

(8:12 pm IST)