ગુજરાત
News of Monday, 22nd October 2018

ફોનના ૯ કોલ, મેસેજોથી અસ્થાના ફસાઈ ગયા....

મનોજની ધરપકડ બાદ ઘણા ફોન

નવી દિલ્હી, તા. ૨૨ : સીબીઆઈના ટોપ અધિકારી રાકેશ અસ્થાના પર ત્રણ કરોડ રૂપિયાની લાંચના આરોપથી ભારે ખળભળાટ મચી ગયો છે. અસ્થાના પર આ કેસમાં એફઆઈઆર પણ દાખલ થઈ ચુકી છે. સીબીઆઈએ એફઆઈઆર પહેલા નવ ફોન કોલ રેકોર્ડ કર્યા હતા અને દાવો કર્યો હતો કે વચેટીયા મનોજ પ્રસાદની ધરપકડ બાદ દહેશતમાં તેમના ભાઈએ અનેક ફોન કોલ કર્યા હતા. તપાસ સંસ્થાનો દાવો છે કે રાકેશ અસ્થાના અને વચેટીયાઓ વચ્ચે નવ ફોન કોલ અને વોટ્સએપ મેસેજથી વાતચીત થઈ હતી. મનોજ પ્રસાદની ૧૬મી ઓકટોબરના દિવસે ધરપકડ થયા બાદ તેમના ભાઈ સોમેશ પ્રસાદની પરેશાની વધી ગઈ હતી અને અસ્થાના સાથે સતત ફોન કોલ પર સંપર્કમાં રહી રહ્યો હતો. ધરપકડના અહેવાલના મિનિટો બાદ જ એક ફોન કોલ અસ્થાનાને કર્યો હતો. ત્યારબાદ અધિકારીઓએ પણ એક ફોન કોલ સોમેશને થોડાક સમયમાં કર્યો હતો. બિઝનેસમેન સતિષ સનાએ આક્ષેપ કર્યો છે કે મનોજ પ્રસાદને પાંચ કરોડ રૂપિયા લાંચ આપવા માટે કહેવામાં આવ્યું હતું. પ્રસાદે વચન આપ્યું હતું કે પૈસા આપી દેવામાં આવ્યા બાદ વારંવાર મળનાર સમન્સમાંથી પીછો છૂટી જશે અને કેસમાં ક્લિનચિટ પણ મળી જશે.

(7:36 pm IST)