ગુજરાત
News of Monday, 22nd October 2018

નવરાત્રી દરમ્યાન મહેસાણાના શખ્સોએ કોન્સ્ટેબલ પર જીવલેણ હુમલો કર્યો

મહેસાણા:નવરાત્રી દરમિયાન અમદાવાદમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલ સાથે ગરબા જોવા ગયેલા તેના મિત્રએ કાવતરું રચીને મહેસાણામાં ટોળા વચ્ચે લઈ જતા તેની ઉપર   હુમલો કરવામાં આવ્યો હતો.

આ ઘટના અંગે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેના આધારે પોલીસે એક પીએસઆઈ પુત્ર સહિત બે વ્યક્તિઓ સામે નામ જોગ અને ૮ થી ૧૦ ના ટોળા સામે ગુનો નોંધ્યો છે. કેસની તપાસ એસસીએસટી સેલના નાયબ પોલીસ અધિક્ષક ચલાવી રહ્યા છે.

 મહેસાણા શહેરના વિસનગર લીંક રોડ પર આવેલ જગજીવન સોસાયટીમાં રહેતા અમીન ધવલ અમૃતલાલ હાલ અમદાવાદના ચાંદખેડામાં રહે છે અને સાબરમતી પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજબજાવે છે.

દરમ્યાન નવરાત્રીમાં સામાજિક કારણોસર મહેસાણાથી અમદાવાદ અપડાઉન કરતો હતો. ગત તા. ૧૭-૧૦-૧૮ના રોજ રાત્રે ઉત્સવ પાર્ટી પ્લોટમાં ગરબા જોવા માટે મિત્ર અને પીએસઆઈ પુત્ર કલ્પેશ ઉર્ફે કાળુ મણીલાલ મેઉવા અને ધવલ ગયા હતા. ત્યાંથી બે વાગ્યાના સુમારે એક્ટીવા પર પરત ઘરે જવા નીકળ્યા હતા.

ત્યારે માર્ગમાં કાવતરુ રચીને કલ્પેશ હિરાનગર ચોકમાં એકઠા થયેલા ટોળા વચ્ચે લઈ ગયો હતો. અહીં કોઈએ એકાએક ધવલ ઉપર હુમલો કરી પીઠના ભાગે છરીઓના ઘા ઝીંકી લોહીલુહાણ કરી નાખ્યો હતો અને ગડદાપાટુનો માર માર્યો હતો. માંડ માંડ ત્યાંથી છટકીને તે નજીકની બાલાર્ક  પાર્ક સોસાયટીમાં સંતાઈ ગયો હતો.

ત્યારબાદ ઘટનાસ્થળે તેનો ભાઈ આવી જતા ઈજાગ્રસ્ત ધવલને સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયો હતો અને ત્યાંથી ઘનિષ્ઠ સારવાર માટે અમદાવાદ ખસેડાયો હતો.

(5:47 pm IST)