ગુજરાત
News of Monday, 22nd October 2018

ગાંધીનગરમાં સરકારી મકાનોની દીવાલ જર્જરિત હાલતમાં જોવા મળતા લોકોના જીવને જોખમ

ગાંધીનગર:ના સરકારી મકાનોમાં વારંવાર છતમાંથી પોપડા પડવાની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે આ ખંડેર થઇ ગયેલા સરકારી મકાનોમાં જીવી રહેલા અસંખ્ય પરીવારજનોમાં ફફડાટ ફેલાયો છે. એટલુ જ નહીં, રહિશો આ અંગે સુવિધા કચેરીમાં રજુઆત કરે છે ત્યારે પણ તંત્ર દ્વારા કોઇ ખાસ કામગીરી કરવાને બદલે ફક્ત થીંગડા મારવાની વૃતી રાખવામાં આવે છે. બે દિવસ પહેલા સે-૧૭ના સરકારી આવાસમાં પોપડો પડયો હતો સદનસીબે આ બનાવમાં કોઇ જાનહાની થઇ ન હતી. 

ગાંધીનગર શહેરમાં સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ માટે સરકારી મકાનોની વ્યવસ્થા સરકાર દ્વારા વર્ષોથી કરવામાં આવી છે. ગાંધીનગરની સ્થાપના વખતથી ઉભા કરવામાં આવેલા સરકારી આવાસમાં કર્મચારીઓ રહી શકે તેમજ તેમની અન્ય પ્રાથમિક સુવિધાઓ પણ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.  શહેરના જુના સેક્ટર બાદ નવા સેક્ટરોમા પણ સરકારી આવાસો ઉભા કરીને નગરજનોને સુવિધા પુરી પાડી હતી.

પરંતુ ગાંધીનગર શહેરની સ્થાપના વખતે બનાવેલા આ સરકારી આવાસોમાં સમયાંતરે નિયમિત રીનોવેશન કરવામાં આવતું નથી. એટલુ જ નહી, જ્યારે પણ મકાનોનું સમારકામ કરવામાં આવ્યું હતું ત્યારે ફક્ત મકાનને થીંગડા મારવાની નીતિથી જ રીનોવેશન કરવામાં આવ્યું હતું તેમજ હલકી ગુણવત્તાવાળા માલ-સામાનનો ઉપયોગ કરવાના કારણે આ જર્જરીત મકાનોેને કોઇ ખાસ ટેકો મળ્યો નથી. ત્યારે વારંવાર આ જર્જરીત છતની પોપડા પડવાને કારણે સરકારી મકાનોમાં રહેતા રહિશોમાં ભારે ફફડાટ ફેલાયો છે.

(5:47 pm IST)