ગુજરાત
News of Monday, 22nd October 2018

વાપીના પારડીમાં પોસ્ટઑફિસમાંથી તસ્કરો 2.85 લાખની મતા ચાઉં કરી ગયા

વાપી:૫ારડીની પોસ્ટ ઓફિસમાંથી તસ્કરો રોકડા રૂ.૨.૮૫ લાખ અને રૂ.૧૩,૬૦૨ની સ્ટેમ્પ ડયુટીની ટિકીટ મુકેલી લોખંડની તિજોરી ચોરી કરી જતાં ચકચાર મચી છે. દશેરા નિમિત્તે પોસ્ટ ઓફિસમાં રજા હોવાથી તસ્કરો દિવાલમાં ફીટ કરેલી આખી તિજોરી જ બિન્દાસ કાઢી કરતબ અજમાવી ગયા હતા. પોસ્ટ ઓફિસમાં નાણાંકીય લેવડ-દેવડ થતી હોવા છતાં સિકયુરીટી ગાર્ડ અને સીસીટીવી કેમેરાનો અભાવ છે. 

પારડીની પોસ્ટ ઓફિસમાં તસ્કરોએ દશેરાનું મુહૂર્ત કર્યું હતું. રાત્રિ દરમિયાન તસ્કરો મુખ્ય દરવાજો ખોલી અંદર ઘુસ્યા હતા. અને સ્ટ્રોંગ રૂમમાં ઘુસી દિવાલમાં લગાવેલી આખેઆખી લોખંડની તિજોરી સાઇડની દિવાલ તોડી કાઢીને  ઉંચકી ગયા હતા. તિજોરીમાં રોકડા રૂ. ૨.૮૫ લાખ તથા સ્ટેમ્પ ડયુટીની રૂ. ૧૩,૬૦૨ની ટિકીટો હતી. 
આજે સવારે પોસ્ટ માસ્ટર અને કર્મચારીઓ કચેરીએ આવ્યા ત્યારે સ્ટ્રોંગ રૂમમાંથી રોકડા રૂપિયા ભરેલી તિજોરી ગાયબ થયાનું જણાતા સ્તબ્ધ થઈ ગયા હતા. બનાવની જાણ થતાં પારડી પોલીસના અધિકારી અને ટીમે પોસ્ટ ઓફિસમાં પહોંચી તપાસ કરી હતી.

(5:46 pm IST)