વડોદરામાં પાર્કિંગની બાબતે થયેલ ઝઘડામાં વેપારી પર ચાકુથી જીવલેણ હુમલો
વડોદરા:શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા લલિતા ટાવર બહાર વાહન પાર્કિંગના મુદ્દે ઝઘડો થતા ંવેપારી પર ચાકુથી હુમલો કરાયો હતો જયારે સામા પક્ષે ટેમ્પોચાલકને પણ વેપારી અને તેના સાગરીતોએ માર માર્યો હતો.
અકોટા વિસ્તારની પ્રધાન એન્કલેવમાં રહેતા ૪૦ વર્ષીય નિકુલભાઈ રમણભાઈ પટેલ સયાજીગંજના લલિતા ટાવરના બેઝમેન્ટમાં પ્રિન્ટિંગને લગતો વ્યવસાય કરે છે. ગઈ કાલે સાજે તે તેમની ઓફિસની બહાર નીકળતાં તેમની ઓફિસની બહાર બાબુભાઈ ભરતભાઈ પરમારે તેમની ઈકો ગાડી પાર્ક કરેલી હતી. અગાઉ ત્યાં ગાડી પાર્ક નહી કરવા માટે તેમની સાથે લખાણ થયેલું હોઈ તે ગાડીનો ફોટો પાડતા હતા તે સમયે તેમની સાથે બાબુભાઈ ભરતભાઈ પરમાર તથા અલ્પેશ ભરતભાઈ પરમાર અને ભરતભાઈ મગનભાઈ પરમારે તેમની સાથે ઝઘડો કર્યો હતો અને તે પૈકીના બાબુભાઈએ તેમના માથામાં ચાકુ માર્યું હતું જયારે અલ્પેશભાઈ અને ભરતભાઈએ તેમના પાઈપના ફઠકા મારી ઈજા પહોંચાડી. તેમને ૧૦૮ એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં ખસેડાતા સયાજીગંજ પોલીસે ઉક્ત ત્રણેય હુમલાખોરો સામે ગુનો નોંધ્યો હતો.