ગુજરાત
News of Monday, 22nd October 2018

એસીબી કેસમાં ફરારી વાંકાનેરના મામલતદારને મોરબી કલેકટર દ્વારા નોટીસ

એસીબી સ્પેશ્યલ ઓપરેશનીંગ પ્રોસીજર (એસઓપી) પધ્ધતીનો ગુજરાતમાં સૌરાષ્ટ્રથી પ્રારંભઃ એસીબી ઇતિહાસનો પ્રથમ કિસ્સો : એસીબી વડા કેશવકુમારના આદેશના પગલે ઉતર સૌરાષ્ટ્ર એકમના મદદનીશ નિયામક હિમાંશુ દોશીના પત્ર આધારે આર.જે.માકડીયા દ્વારા કાર્યવાહી

રાજકોટ, તા., ૨૨: લાંચ રૂશ્વત વિરોધી  બ્યુરોના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત એસીબી કેસમાં ફરાર અધિકારી સામે તેમના જ ખાતા દ્વારા બીન અધિકૃત રીતે ગેરહાજર રહેવા સબબ નોટીસ કાઢી તાત્કાલીક ફરજ પર હાજર થવા તાકીદ કરવામાં આવી છે.

રાજયના એસીબી વડા કેશવકુમાર દ્વારા એસીબીમાં સ્પેશ્યલ ઓપરેશનીંગ પ્રોસીજર (એસઓપી)નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે વાંકાનેરના એસીબી કેસમાં ફરાર મામલતદાર વી.સી.ચાવડા સામે નોટીસથી સ્પેશ્યલ ઓપરેશનીંગ પ્રોસીજરનો પ્રારંભ થયો છે.

એસીબી સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ કેશવકુમારની સુચના મુજબ રાજકોટ બ્યુરોના એસીબીના મદદનીશ નિયામક હિમાંશુ દોશીએ મોરબી કલેકટર આર.જે.માકડીયાને ફરાર બનેલા વાંકાનેરના મામલતદાર વી.સી.ચાવડાને ફરજ પર હાજર કરવા નોટીસ આપવા પત્ર લખેલો.

એસીબી દ્વારા મળેલ ઉકત પત્રને આધારે મોરબીના કલેકટર આર.જે.માકડીયાએ  વાંકાનેરના મામલતદાર વી.સી.ચાવડાને એસીબીના પત્રોના રેફરન્સ ટાંકી વી.સી.ચાવડા બિનઅધિકૃત રીતે ફરજ ગેરહાજર હોવાનું જણાવેલ છે.

પત્રમાં એસીબીના કેસની વિગતો ટાંકી તેઓ (વી.સી.ચાવડા, મામલતદાર વાંકાનેર) તા. ર૯-૯-ર૦૧૮ના બપોર બાદથી રજા રીપોર્ટ વગર ઉપરી અધિકારીને કોઇ પણ જાતની જાણ કર્યા વગર ગેરહાજર રહેવા બદલ ગુજરાત રાજય સેવા (વર્તણુંક) નિયમો ૧૯૭૧ના નિયમ-૩ (૩) ના ભંગ બદલ તેઓ તાત્કાલીક ફરજમાં હાજર નહિ થાય તો કાર્યવાહી કરવાની ફરજ પડશે તેવી નોટીસ પાઠવતા ખળભળાટ મચી ગયો છે.

(3:40 pm IST)