ગુજરાત
News of Monday, 22nd October 2018

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ગુજરાતમાં સ્થપાયાનું ગુજરાતીઓને ગૌરવ : નરહરિ અમીન

રખિયાલ ગામથી ગાંધીનગર જિલ્લાની એકતાયાત્રાનો પ્રારંભ

ગાંધીનગર તા. ૨૨ : દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી અને લોખડી પુરૂષ સરદાર વલ્લભભાઇને ભાવાંજલિ આપવા માટેની એકતા રથયાત્રાનો આજથી ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના રખિયાલ ગામ ખાતેથી આરંભ થયો છે. આ એકતા રથયાત્રાને રાજયના આયોજન પંચના ઉપાધ્યક્ષ શ્રી નરહરિ અમીનના હસ્તે ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવી હતી.ઙ્ગ

આ પ્રસંગે શ્રી નરહરિ અમીને જણાવ્યું હતું કે, તા. ૩૧મી ઓકટોબર, ૨૦૧૩ના રોજ તત્કાલીન રાજયના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિશ્વની વિશાળ કદની પ્રતિમાનું ખાતમૂર્હત કરાવ્યું હતું. આજે પાંચ વર્ષના ટુંકા ગાળામાં રૂપિયા ૨૩૩૨ કરોડના ખર્ચે તૈયાર થયેલી વિરાળ કદની લોંખડી પુરૂષ એવા સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાનું અનાવરણ દેશના વડાપ્રઘાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે આગામી તા. ૩૧મી ઓકટોબરે થનાર છે દેશને આઝાદી અપાવવામાં ગુજરાતના સપૂત એવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને સરદાર વલ્લલભભાઇ પટેલનું યોગદાન મોટું છે. આ સ્થળને પર્યટક સ્થળ તરીકે વિકાસ કરવામાં આવશે. આ પ્રતિમા વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા છે, તે વાતનો ગૌરવ દરેક ગુજરાતીને હોવો જોઇએ. આ યાત્રા થકી રાજયની આજની યુવા પેઢી સરદાર વલ્લભભાઇ પટેલના જીવન અને કવનથી પરિચિત બનશે.

ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી એસ.કે.લાંગાએ જણાવ્યું હતું કે, દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી એવા સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાએ આ સદીમાં બનતાં યાદગાર પ્રસંગોમાનો એક પ્રસંગ હશે.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિતેષ કોયાએ મહાનુભાવોનું સ્વાગત કરી એકતા રથયાત્રા પાછળના ઉમદા આશયની વાત કરી હતી. તેમજ રથયાત્રા બે તબક્કામાં ગાંધીનગર જિલ્લાના વિવિધ ગામોમાં જશે. કાર્યક્રમના અંતે આભાર વિધી ગાંધીનગર પ્રાંત અધિકારી શ્રી ઋતુરાજ દેસાઇએ કરી હતી.ઙ્ગ

રથયાત્રાના પ્રસ્થાન પ્રસંગે દહેગામના ઘારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણ, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી પ્રવિણભાઇ પટેલ, ડેપ્યુટી મેયર શ્રી દેવેન્દ્રસિંહ ચાવડા, દહેગામ એ.પી.એમ.સી ના ચેરમેન શ્રી સુમેરૂભાઇ અમીન, ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી સંજય અમરાણી, ગામના સરપંચ શ્રી ગીતાબેન રમણભાઇ પટેલ સહિત દહેગામના અનેક અગ્રણીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.(૨૧.૧૪)

(11:45 am IST)