ગુજરાત
News of Friday, 22nd September 2023

સુરત એરપોર્ટ પર લેન્‍ડીંગ કરતા વેન્‍ચુરાના વિમાનનું ટાયર ફાટયુઃ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા મુસાફરોને સલામત એરક્રાફટથી ઉતારાયા

ઘટનાને પગલે એરપોર્ટ રન વે બે કલાક બંધ કરાતા ઇન્‍ડીગોની દિલ્‍હી-સુરત ફલાઇટે આકાશમાં 3 ચક્કર લગાવ્‍યા

સુરત: સુરત એરપોર્ટ પર 9 સીટર વિમાનના લેન્ડિંગ સમયે મોટી દુર્ઘટના બની હતી. લેન્ડિંગ સમયે વિમાનનું ટાયર ફાટ્યું હતું. વેન્ચ્યુરા કંપનીના વિમાનનું ટાયર ફાટતા રનવે બંધ કરાયો હતો. દુર્ઘટના સમયે વિમાનમાં 6 યાત્રીઓ સવાર હતા. આ દુર્ઘટના બાદ એરક્રાફ્ટને સુરક્ષિત રીતે લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. ફાયર બ્રિગેડની ટીમે મુસાફરોને સલામત એરક્રાફ્ટમાંથી ઉતાર્યા હતા. આ ઘટનાને પગલે 2 કલાક સુધી સુરત રનવે બંધ રાખવો પડ્યો હતો. રનવે બંધ રહેતા એક વિમાન અમદાવાદ ડાઈવર્ટ કરાયુ હતું. તો બીજા વિમાનને આકાશમાં 5 ચક્કર મારી લેન્ડ થવુ પડ્યુ હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાતે 9 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. અમદાવાદથી રાતે 8 વાગ્યે વેન્ચુરાનું 9 સીટર પ્લેન ટેકઓફ થયુ હતું, જેમાં 6 મુસાફરો સવાર હતા. આ પ્લેન 9 વાગ્યાની આસપાસ સુરત એરપોર્ટ પર લેન્ડ કરી રહ્યુ હતું, ત્યારે અચાનક જ ટાયર ફાટી ગયું હતું. ટાયર ફાટવા છતા કેપ્ટને પ્લેનને સુરક્ષિત રીતે લેન્ડ કરાવ્યુ હતું. આ ઘટનાથી પ્લેનમાં સવાર તમામ મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા.

મુસાફરો સુરક્ષિત લેન્ડ થયા ત્યારે તેઓએ રાહતનો શ્વાસ લીધો હતો. જેના બાદ  એરક્રાફ્ટને ટો કરીને એપ્રેન સુધી એટલે કે પાર્કિંગ સુધી પહોંચાડવામાં આવ્યુ હતું.

આ ઘટનાને પગલે એરપોર્ટનો રનવે બે કાલક માટે બંધ કરાયો હતો. ઇન્ડિગોની દિલ્હી-સુરત ફ્લાઇટે આકાશમાં 3 ચક્કાર માર્યા બાદ અમદાવાદ ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી, જ્યારે એર એશિયાની દિલ્હીની ફ્લાઇટે આકાશમાં 5 ચક્કાર માર્યા બાદ લેન્ડિંગ કર્યું હતું.

(5:17 pm IST)