ગુજરાત
News of Tuesday, 22nd September 2020

વેજલપુર ભાજપના કોર્પોરેટરની દબંગાઈ :એસ્ટેટ અધિકારીને જોઇ લેવાની ધમકી

ગેરકાયદે બાંધકામ રોકવા જતાં સર્જાયો વિવાદ:નોટિસ ફાડી નાંખીને અધિકારીએ પૈસા માંગ્યા હોવાની પણ વાત:વિજીલન્સની તપાસ કરવાની માંગ કરાશે

અમદાવાદ: શહેરમાં ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટી નીકળ્યો છે. વેજલપુર વિસ્તારની સોસાયટીમાં થઇ રહેલાં ગેરકાયદેસર બાંધકામને રોકવા અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના એસ્ટેટ ખાતાના અધિકારી વેજલપુર વોર્ડમાં ગયા હતા. ત્યારે તેમને સ્થાનિક ભાજપના કોર્પોરેટર દિલીપ બગરિયાએ ધમકી આપી હોવાનો વિડીયો વાયરલ થયો છે. તેમાં કોર્પોરેશનના અધિકારીને જોઇ લેવાની ધમકી આપી છે. ત્યાં સુધી કે તેણે પૈસા માંગ્યા હોવાની પણ વાત કરી હતી. આ વિડીયોએ હંગામો મચાવ્યો છે.

 અમદાવાદ શહેરમાં ઠેર ઠેર ગેરકાયદેસર બાંધકામો થયેલા છે. ત્યાં સુધી કે પાર્કિંગ તેમ જ હોસ્પિટલના ધાબાના ભાગોમાં બાંધકામો થઇ ગયા છે. તેને પાછળથી ઇમ્પેક્ટ ફી વસૂલીને કોર્પોરેશન દ્રારા કાયદેસર કરી દેવામાં આવ્યા છે. તાજેતરમાં 500 ચો.મી. સુધીના ગેરકાયદે બાંધકામને કાયદેસર કરી આપવા માટેની દરખાસ્ત સ્ટેન્ડીંગ કમિટીમાં મૂકાઇ હતી. જો કે કમિટીએ આ દરખાસ્ત મ્યુનિ. કમિશનરને મોકલી આપી છે. તેવા સમયે વેજલપુર વિસ્તારની સત્યનારાયણ સોસાયટીમાં એક મકાનમાં ગેરકાયદેસર બાંધકામ થતું હતું.

  આ અંગે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગના વોર્ડ ઇન્સ્પેકટર ચંદ્રકાન્તભાઇ નોટીસ આપવા ગયા હતા. ત્યારે ભાજપના વેજલપુર વોર્ડના કોર્પોરેટર દિલીપ બગરિયા ત્યાં આવી પહોંચ્યા હતા. તેમણે કોર્પોરેશનની નોટિસ ફાડી નાંખી હતી. ત્યારબાદ તેમને તથા ડેપ્યુટી એસ્ટેટ ફિસર કાંતુ પટેલને જોઇ લેવાની ધમકી આપી હતી. ત્યાં સુધી કે અહીંયા નોટીસ આપવા આવવાનું નહીં તેમ જણાવ્યું હતું. એટલે સુધી કે હિંમત હોય તો જુહાપુરામાં નોટિસ આપવા જાવ ને તેમ જણાવ્યું હોવાનું વિડીયોમાં જણાય છે. હુ પોલીટીકલી માણસ છું, તમે નોકરિયાત છો. મેં પક્ષમાં પૂછી લીધું છે. તમે હેરાન થઇ જશો. હું તમારો સી.આર. બગાડી દઇશ તેની ધમકી આપી હતી. આ ધમકી આપતો વિડીયો વાયરલ થયો છે. જો કે આ વિડીયો ઉતાર્યો કોણે તથા વાયરલ કોને કર્યો તે મામલો પણ ચર્ચામાં છે.

વેજલપુર વોર્ડના કોર્પોરેટર દિલીપભાઇ બગરિયાએ જણાવ્યું કે, અમારા વોર્ડના પૂર્વ શહેર પ્રમુખ નરેશભાઇ સુતરિયા તેમનું 40 વર્ષ જૂનું બાંધકામ તોડીને રિનોવેશન કરાવી રહ્યાં હતા. તેમની પાસેથી 25 હજાર રૂપિયાની માંગણી કરી હતી. મને જાણ થતાં મે અધિકારીને ગઇકાલે કહ્યું હતું. છતાં વોર્ડ ઇન્સ્પેકટર ચંદ્રકાન્તભાઇ આજે ફરીવાર પાછાં આવ્યા હતા. તેમણે તેઓ જે બોલ્યા છે તે અમૂક વાતો વિડીયોમાંથી એડિટ કરી નાંખેલો છે. જુદા જુદા ભાગમાં વિડીયો વાયરલ કરી નાંખ્યો છે. મારી પાસે તેમણે 25 હજાર રૂપિયા માંગ્યા હોવાનું રહીશનો પત્ર છે. હું ડીવાયએમસીને આ અંગે વીજીલન્સ ઇન્કવાયરી કરીને તેમની સામે પગલાં ભરવામાં આવે તે અંગે રજૂઆત કરીશ. તેમણે અત્યાર સુધીમાં કયા કયા નોકરી કરી ત્યારથી લઇને અત્યાર સુધીમાં કેટલાં લોકોને નોટિસો આપ્યા બાદ શું થયું તે અંગે તપાસ કરવાની માંગણી કરીશ.

(11:45 pm IST)