ગુજરાત
News of Tuesday, 22nd September 2020

ગુજરાત વિધાનસભામાં ઔદ્યોગિક તકરાર સુધારાબીલ બહુમતીથી પસાર

કામદારોની તરફેણ કરતા અનેક મુદ્દાઓનો ખરડામાં સમાવેશ કરાયો છે : છટણીના કિસ્સામાં કામદારને ફરજીયાત નોટીસ આપવાની રહેશે

ગાંધીનગર : રાજય વિધાન સભામાં આજે ઔદ્યોગિક તકરાર વિધેયક પસાર કરવામાં આવ્યું છે. તે સમયે શ્રમ રોજગાર મંત્રીએ શ્રમયોગીના રક્ષણ માટે સરકાર સહાય તત્પર હોવાની વાત જણાવી હતી.

આજે વિધાનસભા ખાતે ગુજરાત ઔદ્યોગિક તકરાર અધિનિયમ હેઠળ સુધારા વિધેયક રજુ કરતા મંત્રીશ્રી ઠાકોરે ઉમેર્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાત રાજ્યના ઉત્તરોઉત્તર થયેલ આર્થિક અને ઔધોગિક વિકાસના આપણે સૌ સાક્ષી છીએ. સરકારશ્રીના શ્રમ અને રોજગાર વિભાગ દ્રારા શ્રમ કાયદાઓનું અમલીકરણ કરાવવામાં આવે છે. વિવિધ શ્રમ કાયદાઓ પૈકી ઔધોગિક તકરાર અધિનિયમ-૧૯૪૭ ભારત સરકાર દ્રારા ઘડવામાં આવેલો છે. જેનો મુખ્ય ઉદ્દેશ માલિકો અને કામદારો વચ્ચેની તકરારોનું નિરાકરણ સમાધાન,લવાદી અને ન્યાયનિર્ણય દ્રારાલાવવાનો તથા ઔધોગિક શાંતિ જળવાઇ રહે તે જોવાનો છે. આ કાયદાના માધ્યમથી રાજ્ય સરકારે માલિકો અને કામદારોના હિતોનું રક્ષણ થાય અને તેઓ વચ્ચે સુમેળ ભર્યા સંબંધો જળવાઇ રહે તેવા પગલા હંમેશા લીધા છે.

તેમણે ઉમેર્યુ હતું કે ઔધોગિક તકરાર અધિનિયમ, ૧૯૪૭નાપ્રકરણ-પ-બી અંતર્ગત કરવામાં આવેલ જોગવાઇઓ ખાસ કરીને મોટી ઔધોગિક સંસ્થાઓમાં કાર્યરત શ્રમયોગીઓને રક્ષણ પૂરૂ પાડવા માટે છે.  ભારત સરકારના વિકાસલક્ષી પ્રોગ્રામ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં સહભાગી બનવામાટે  માલિક તેમજ શ્રમયોગીઓના હિતોને ધ્યાનમાં રાખીને ગત વિધાનસભા સત્ર દરમિયાન આ સુધારા રજૂ કરવાના હતા. જે તે સમયે રજૂ થયેલ ન હોઇ પ્રસ્તુત સુધારા હવે રજૂ કરવામાં આવે છે.

મંત્રીશ્રી ઠાકોરે કહ્યું કે, અમુક સંસ્થાઓમાં લે-ઓફ, છટણીઅને તે ઔધોગિક સંસ્થા બંધ કરવાને લગતી ખાસ જોગવાઇઓ કરવામાં આવેલ છે. તે અંતર્ગત કલમ-૨૫(કે)માં પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ ૧૦૦ કે તેથી વધુ કામદાર ધરાવતી સંસ્થાએ કામદારોને
લે-ઓફ,
છટણી તથા સંસ્થા બંધ કરતા અગાઉ ઉચિત સરકારની પૂર્વ પરવાનગી લેવી જરૂરી છે. જેમાં સુધારો કરીને ૩૦૦ કે તેથી વધુ કામદારો ધરાવતી સંસ્થાએ કામદારોને લે-ઓફ, છટણી તથા સંસ્થા બંધ કરતા અગાઉ ઉચિત સરકારની પૂર્વ પરવાનગી લેવાની જોગવાઇ કરવા જઇ રહ્યા છીએ. આવા જ સુધારા અન્ય રાજય જેવાં કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં પણ કરવામાં આવેલ છે.

તેમણે ઉમેર્યુ કે, હાલમાં કામદારોને નોકરીમાંથી છૂટા કરવાં (છટણી), સંસ્થા બંધ કરવા (ક્લોઝર) સમયે સળંગ નોકરીના દરેક પૂરા થતા વર્ષ  અથવા તેના કોઇ  ભાગ  માટે ૧૫  દિવસનો  સરેરાશ  પગાર જેટલુ વળતર આપવાની  જોગવાઈ છે. એટલે કે જો કોઇ કામદારે ૧૦ વર્ષકામ કરેલ હોય તો તેને પ્રત્યેક વર્ષના ૧૫ દિવસ લેખે ૧૦ વર્ષના ૧૫૦ દિવસના સરેરાશ પગાર જેટલું વળતર મળે. જેમાં સુધારો કરીને ૧૫ દિવસના સરેરાશ પગાર  ઉપરાંત વળતરમાં વધારો કરીને છેલ્લા ત્રણ મહિનાના સરેરાશ પગાર જેટલી રકમ વળતર તરીકે આપવાની જોગવાઇ કરવા જઈ રહ્યા છીએ. આ જોગવાઇથી ૩૦૦ થી વધુ કામદાર રોકતી સંસ્થામાં કામ કરતા કામદારોને છટણી કે સંસ્થા બંધ કરવાના સમયે વધારાની  છેલ્લા ત્રણ મહિનાના સરેરાશ પગાર જેટલી રકમ વળતર તરીકે મળશે.

મંત્રીશ્રીએ કહ્યું કે અગાઉ સંસ્થા દ્વારા કામદારને ત્રણ મહિનાની નોટીસ કે નોટીસ પગાર આપીને તાત્કાલિક અસરથી છૂટા કરી શકે તેવી જોગવાઇ હતી. ઉક્ત સુધારાથી કામદારને ફરજીયાત ત્રણ માસની નોટીસ આપવાની રહેશે. નોટીસ પગાર આપીને છટણી કરી શકાશે નહીં. રાજય સરકાર દ્વારા કરાયેલ નવી વધારાની જોગવાઇ અંગે માહિતી આપતાં તેમણે કહ્યું કે, કામદારોના શોષણ ધ્યાને આવતાં ૧૦૦ થી ૩૦૦ કામદારો ધરાવતા સંસ્થાઓને પણ  આ અધિનિયમની જોગવાઇ લાગુ પાડી શકાશે. ઔધોગિક તકરાર અધિનિયમ, ૧૯૪૭નો મુળભૂત ઉદે્શ ઉધોગોમાં માલિકો અને કામદારો અથવા માલિકો અને માલિકો અથવા કામદારો અને કામદારો વચ્ચેની તકરાર અને મતભેદ નિવારવાનો છે. જેને અનુલક્ષીને કરવામાં આવેલ કાયદાકીય જોગવાઇઓ આર્થિક ઉદારીકરણ, રાષ્ટ્રીય વિકાસ અને રોજગારીના પ્રશ્નો ધ્યાને લઇને સુધારવાપાત્ર જણાતા પ્રસ્તુત સુધારાઓ સૂચવવામાં આવેલ છે.

        આમ સુધારાઓના કારણે અધિનિયમનાપાલનને ઉત્તેજન મળશે, સંસ્થા બંધ કરતા પહેલા પૂર્વ પરવાનગી લેવાની જરૂર રહેશે નહી, શ્રમયોગીઓને નોકરીમાંથી છૂટા કરવા તથા સંસ્થા બંધ થવાના સંજોગોમાં મળતા વળતરમાં વધારો થશે, ઉધોગોમાં મૂડીરોકાણ વધશે, ઉધોગોની સંખ્યા વધશે, ઉધોગોની સંખ્યા વધવાથી રોજગારી વધશે, તાજેતરમાં પ્રવર્તતી કોવિડ-૧૯ની મહામારીને પરિણામે રાજ્યની ધીમી પડેલ આર્થિક પ્રવૃતિને વેગ મળશે તેમ તેમણે ઉમેર્યું હતું.  આ સુધારા વિધેયક વિધાનસભા ખાતે પસાર કરાયું હતું.

(10:12 pm IST)