ગુજરાત
News of Tuesday, 22nd September 2020

કલાજગતના કસબીઓની સરકારને રાહત પેકેજની માગ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને આવેદન આપ્યું

ગાંધીનગર,તા.૨૨ : રાજ્યમાં કોરોનાના પગલે મનોરંજન જગતના કલાકારની આર્થીક હાલત માર્ચ ૨૦૨૦થી કફોડી થઇ ગઇ છે. લોકસંગીત, લોકનૃત્ય, ઓરકેસ્ટ્રા નાટક, નૃત્ય વગેરે કલાકાર કસબીઓની કફોડી થયેલ આર્થીક સ્થિતિમાં સત્વરે મદદ કરવાની રજૂઆત મુખ્યમંત્રીને કરવામાં આવી છે.એપ્રિલ ૨૦૨૦થી છ મહિનાથી નાટ્યગૃહો, જાહેર કાર્યક્રમો, પ્રસંગો, મેળાવડા, સરકારી ઇવેન્ટસ વગેરે બંધ છે. હજુ ક્યારે શરુ થશે તે અંગે અનિશ્ચિતતા છે અને જલ્દી શરુ થાય તો પણ પ્રજા પાસે એ માટે ખર્ચ કરવાની આર્થિક જોગવાઇ હશે કે કેમ સહિતના પ્રશ્નો સાથે ઇડરના ભાજપના ધારાસભ્ય હીતુ કનોડિયાએ મુખ્યમંત્રીને આવેદન આપી જણાવ્યું હતું કે અનલોકમાં તેઓ કોઇક નિર્માણ કરવા ઇચ્છે તો પણ જોખમને લઇને નવું રોકાણ કરી શકે તેવી પરિસ્થિતિ નથી અને જો કોઇ નવા કામ શરૂ થાય તો પણ મજબુરીના સંજોગોમાં ના છુટકે આત્મહત્યાનો માર્ગ અપનાવો પડે એવા સંજોગો નિર્માણ થયા છે.ત્યારે આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં લઇ તાકીદે આર્થિક સહાયની જાહેરાત કરી અને અમલમાં મુકવો.

(9:14 pm IST)