ગુજરાત
News of Tuesday, 22nd September 2020

વિદેશથી 24,502 ગુજરાતી છેલ્લા ચાર મહિનામાં વતન પરત આવ્યા

વિદેશમાં વસતા ૧૪.૦૪ લાખ ભારતીયો સ્વદેશ પરત ફર્યા: ગલ્ફમાંથી સૌથી વધુ વતન વાપસી

અમદાવાદ : કોરોના કાળમાં વિદેશથી સ્વદેશ પરત ફરનારા ભારતીયોનું પ્રમાણ વધ્યું છે. કોરોનાએ પગપેસારો કર્યા બાદ અત્યારસુધી વિદેશમાં વસતા ૧૪.૦૪ લાખ ભારતીયો સ્વદેશ પરત ફર્યા છે અને જેમાંથી ૨૪૫૦૨ ગુજરાતમાંથી છે. છેલ્લા ચાર મહિનામાં ગલ્ફ દેશોમાંથી સૌથી વધુ ભારતીયોની વતન વાપસી થઇ છે.

કોરોનાને પગલે વિદેશમાં ફસાયેલા ભારતીયો માટે મે મહિનાના પ્રથમ સપ્તાહમાં 'વંદે ભારત મિશન'ની શરૃઆત કરવામાં આવી હતી. જેમાં ૧૫ સપ્ટેમ્બર સુધીના સમયગાળા દરમિયાન સૌથી વધુ ૩.૭૨ લાખ કેરળ, ૨.૨૮ લાખ દિલ્હી, ૧.૧૬ લાખ ઉત્તર પ્રદેશ, ૧.૧૦ લાખ તમિલનાડુ, ૯૬૭૯૬ મહારાષ્ટ્ર પરત ફર્યા હતા. આ પૈકી યુએઇમાંથી સૌથી વધુ ૪.૫૭ લાખ, સાઉદી અરેબિયામાંથી ૧.૬૩ લાખ, કતારમાંથી ૧.૦૪ લાખ, કુવૈતમાંથી ૯૦૭૫૯, અમેરિકામાંથી ૭૭૩૦૫ જ્યારે યુનાઇટેડ કિંગડમમાંથી ૩૯૧૪૧, પાકિસ્તાનમાંથી ૬૭૧ ભારતીયોને વતન પરત લાવવામાં આવ્યા હતા.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની વિગતો પ્રમાણે અમદાવાદ એરપોર્ટ ખાતે વિદેશ માટે મે મહિનામાં ૨૩૫૬, જૂન મહિનામાં ૫૦૮૭, જુલાઇ મહિનામાં ૬૬૫૦ મુસાફરોની અવર-જવર નોંધાઇ હતી. આમ,જુલાઇ ૨૦૧૯ની સરખામણીએ જુલાઇ ૨૦૨૦માં અમદાવાદ એરપોર્ટમાં વિદેશી મુસાફરોની અવર-જવરમાં ૯૬.૮%નો ઘટાડો થયો છે. જુલાઇ ૨૦૧૯માં અમદાવાદ એરપોર્ટ ખાતે ૨.૦૬ લાખ વિદેશી મુસાફરોની અવર-જવર હતી. અમદાવાદ એરપોર્ટમાં જુલાઇ ૨૦૧૯માં ૨૨૨ જ્યારે જુલાઇ ૨૦૨૦માં ૧૪ વિદેશની ફ્લાઇટની અવર-જવર નોંધાઇ છે. આમ, એક વર્ષમાં વિદેશની ફ્લાઇટમાં ૮૩.૨૦%નો ઘટાડો નોંધાયો છે. છેલ્લા ચાર મહિના દરમિયાન ફલાઇટ દ્વારા 12.69 લાખ, બાયરોડ 1.31 લાખ જ્યારે સમુદ્ર 3987 ભારતીયો પરત ફરેલા છે.

(8:22 pm IST)