ગુજરાત
News of Tuesday, 22nd September 2020

સુરતના કાપોદ્રા ચાર રસ્તા નજીક હીરાના કારખાનામાંથી તસ્કરોએ મિનિટમાં 15 લાખના રફ હીરાની ચોરી કરતા અરેરાટી મચી જવા પામી

સુરત: શહેરના કાપોદ્રા ચાર રસ્તા ગજ્જર કમ્પાઉન્ડમાં આવેલા હીરાના કારખાનામાંથી ગતરાત્રે માત્ર 9 મિનિટમાં રૃ.15 લાખના રફ હીરાની ચોરી ઘટના બની હતી. માસ્ક પહેરી આવેલો એક અજાણ્યો મેઈન ગેટનું તાળું ચાવી વડે ખોલી બાદમાં બીજા ત્રણ તાળા ચાવીથી ખોલી પહેલા માળે લેસર ડિપાર્ટમેન્ટમાં મુકેલા લોકર સુધી પહોંચ્યો હતો. ચોરી બાદ તમામ તાળા ફરી મારી દઇને ચોર ફરાર થઇ ગયો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ બોટાદના ગઢડાના કોપાળાના વતની અને સુરતમાં વરાછા મેઈન રોડ બરોડા પ્રિસ્ટેજ પાસે ગુરુનગર ઘર નં.60 માં રહેતા 61 વર્ષીય મોહનભાઇ જયરાજભાઈ ગાબાણી કાપોદ્રા ચાર રસ્તા ગજ્જર કમ્પાઉન્ડ સરદાર કોમ્પલેક્ષની ગલીમાં પહેલા માળે ભરત ટ્રેડીંગ કોર્પોરેશનના નામે હીરાનું કારખાનું ધરાવે છે. કારખાનામાં રશિયન રફ હીરાને તૈયાર કરવામાં આવે છે. દરમિયાનગતરોજ રવિવારની રજા હોવાથી ગત સવારે લેસર ડિપાર્ટમેન્ટના બે ઓપરેટર નાઈટ શિફ્ટમાં કામ કરતા ભરતભાઈ ઉકાણી અને ડે શિફ્ટમાં કામ કરતા ભુપેન્દ્રભાઈ રાજપૂત પૈકી ભરતભાઈએ પ્રોસેસના હીરા કર્મચારીઓ પાસેથી મેળવી લોકરમાં મૂકી બંધ કરી ચાવી લેસર ડિપાર્ટમેન્ટના મેનેજર અશ્વિનભાઈને આપી હતી. દરમિયાનરાત્રે 8.22 કલાકે એક અજાણ્યો માસ્ક પહેરી અને કોલેજ બેગ સાથે કારખાને આવ્યો હતો અને મેઈન ગેટનું તાળું ચાવી વડે ખીલી બાદમાં બીજા ત્રણ તાળા ચાવીથી ખોલી પહેલા માળે ઓફિસમાં મુકેલા લોકર સુધી પહોંચ્યો હતો. લોકર પણ તેણે ચાવીથી ખોલી અંદર મુકેલા અંદાજીત રૃ.15 લાખના હીરાની ચોરી કરી હતી અને હીરા કોલેજ બેગમાં મૂકી જતા જતા પાંચેય તાળા મારી ફરાર થઈ ગયો હતો.

(5:32 pm IST)