ગુજરાત
News of Tuesday, 22nd September 2020

કલાકારોને સહાય કરો, લોકડાઉનમાં હાલત કફોડી થઇ છેઃ હિતુ કનોડિયાએ મુખ્‍યમંત્રીને પત્ર લખ્‍યો

ગાંધીનગર: ગુજરાતના મનોરંજનના કલાકારો માટે સહાયતા કરવા માટે ધારાસભ્ય હિતુ કનોડિયાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. કોરોના સમયથી છ મહિનાથી મનોરંજન સાથે જોડાયેલા તમામ કલાકારોની સ્થિતિ આર્થિક રીતે ખરાબ બની છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા યોગ્ય સહાય થાય તેવી માંગણી ભાજપના ધારાસભ્ય હિતુ કનોડિયા દ્વારા પત્રમાં કરવામાં આવી છે. આ સાથે જ તેઓએ કોરોના સમયગાળામાં નવરાત્રિનું આયોજન ન થવું જોઈએ એવો મત કલાકાર હિતુ કનોડિયાએ વ્યક્ત કર્યો છે.

લોકડાઉનમાં કલાકારોની ખૂબ જ કફોડી થઈ હાલત

મનોરંજન જગતના કલાકાર અને કસબીઓની ગંભીર સ્થિતિમાં સત્વરે મદદરૂપ થવા ભાજપનાં ધારાસભ્ય અને અભિનેતા હિતેશ કનોડીયાએ સીએમને પત્ર લખ્યો છે. તેઓએ પત્રમાં લખ્યું કે, મનોરંજન જગતના કલાકાર અને કસબીઓની આર્થિક હાલત માર્ચ 2020 થી કોરોના લોકડાઉનમાં ખૂબ જ કફોડી થઈ ગઈ છે. મજબૂરીમાં નાછૂટકે આત્મહત્યાનો માર્ગ અપનાવવો પડે એવા સંજોગો નિર્માણ થયા છે. ગંભીરતાને ધ્યાનમાં લઈ તાકીદે આર્થિક સહાયની જાહેરાત કરવા તેઓએ રજુઆત કરી છે. જેમાં લોકસંગીત, લોકનાટ્ય, ઓરકેસ્ટ્રા, નાટક, નૃત્ય વગેરેના કલાકાર કસબીઓનો સમાવેશ થાય છે.

કલાકારોની બેંકમાંથી લોન મળતી નથી

તેમણે કહ્યું કે, એપ્રિલ 2020 થી આજે છ મહિના પછી પણ નાટ્યગૃહો, સિનેમાગૃહો, જાહેર કાર્યક્રમો, પ્રસંગો, મેળાવડા, સરકારી ઇવેન્ટ્સ વગેરે બધું જ બંધ છે અને ક્યારે શરૂ થશે તે અંગે હજી અનિશ્ચિતતા છે. જો કદાચ જલ્દી શરૂ થાય તો પણ પ્રજા પાસે એ માટે ખર્ચ કરવાની આર્થિક જોગવાઈ હશે કે કેમ તે પ્રશ્ન છે. કોરોનામા સૌથી પહેલાં બંધ થઈને સૌથી છેલ્લાં મનોરંજન જગત શરૂ થશે. કલાકારો કોઈ નિયત કંપનીમાં નિયમિત વેતન લેતા ન હોવાથી તેઓને કોઈપણ બેંકમાંથી આ સંજોગોમાં ધિરાણ કે પર્સનલ લોન મળી શકે એમ નથી. તેથી સરકાર કોઈ સહાય કરે તેવી માંગણી છે.

(4:39 pm IST)