ગુજરાત
News of Tuesday, 22nd September 2020

વડોદરામાં વિધવા પુત્રીને બધુ સારૂ થઇ જાય તે માટે માતાજીનો પધરામણીનો કાર્યક્રમ યોજાયોઃ 3 હજારનું ટોળુ એકત્રિત થયુઃ પોલીસે સોશ્‍યલ ડિસ્‍ટેન્‍સીંગની ભંગની કાર્યવાહી કરીઃ 50થી વધુની અટકાયત

વડોદરા: વડોદરામાં માતાજીના નામે હજારોની ભીડ ભેગી થવાનો મામલા કાંતિભાઈ વાઘેલા નામના શખ્સની અટકાયત કરવામાં આવી છે. જોકે, આ ભીડ શા માટે ભેગી કરવામાં આવી હતી તે જાણીને પોલીસ પણ ચોંકી ગઈ હતી. કાંતિભાઈ વાઘેલાએ પોતાની વિધવા પુત્રી માટે કાર્યક્રમ રાખ્યો હતો. કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકોને એકઠા કર્યા હતા. કંઈ પણ વિચાર્યા વગર કોરોનાકાળમાં એક પિતાએ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાડ્યા હતા. આ કાર્યક્રમમાં કોઈ માસ્ક વગર દેખાયું ન હતું. પોલીસે કાર્યક્રમમાં હાજર રહેલા 50 થી વધુ લોકોની અટકાયત કરી છે. જાણીને આશ્ચર્ય લાગશે કે, આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે મુંબઈ અને મહેસાણાથી પણ કેટલાક લોકો આવ્યા હતા, જેઓની પોલીસે અટકાયત કરી છે.

વિધવા પુત્રી માટે કાર્યક્રમ કર્યો

કાંતિભાઈ વાઘેલા નામના શખ્સે પોતાની વિધવા પુત્રી માટે સમગ્ર કાર્યક્રમ રાખ્યો હતો. વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે, તેમના જમાઈનું કેન્સરને કારણે નિધન થયું હતું. જેથી પોતાની વિધવા પુત્રીનુ બધુ સારુ થઈ જાય અને પરિવાર પર જે દુખ આવ્યું છે તે ટળી જાય તે માટે તેમણે માતાજીની પધરામણીનો કાર્યક્રમ રાખ્યો હતો. માતાજીના પધરામણી કાર્યક્રમમાં લગભગ 3000 થી વધુ લોકો એકઠા થયા હતા. આ કાર્યક્રમમાં મુંબઈ અને મહેસાણાથી પણ કાંતિભાઈના સંબંધીઓ આવ્યા હતા.

અમારા સમાજને કોરોનાથી કંઈ નહિ થાય

વડોદરામાં માતાજીના નામે લોકોની ભીડ ભેગી થવાના મામલામાં પોલીસે 50 લોકોની અટકાયત કરી છે. આવામાં રૂપા દેવીપૂજક નામની એક મહિલાએ મીડિયા સામે ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું કે, માતાજીના આશીર્વાદ અમારી સાથે છે. કોરોના અમારું કંઈ બગાડી નહિ શકે. કોરોના અમારા સમાજના લોકોને નહિ થાય. ત્યારે ઝોન 3 ના ડીસીપી લગ્ધીર ઝાલાએ તેઓને જવાબમાં કહ્યું હતું કે, કોરોના કોઈ ધર્મ કે જાતિ જોઈને નથી થતો. લોકોએ નિયમોનું પાલન કરવું જરૂરી છે. કોરોના જીવ લઈ શકે છે. માતાજીના કાર્યક્રમનું આયોજન કરનાર સામે કડક કાર્યવાહી થશે.

(4:36 pm IST)