ગુજરાત
News of Tuesday, 22nd September 2020

ઉકાઇ ડેમમાંથી સતત પાણી છોડાતા તાપી નદી બે કાંઠે

ડેમની સપાટી ભયજનક લેવલથી દોઢ ફૂટ દૂર રાખીને સતાધીશો પાણી છોડવાના નિર્ણયો બદલી રહ્યા છે

સુરત જિલ્લા અને શહેરમાં મોડીરાત્રે  વરસાદી માહોલ જામ્યો હતો. જ્યારે ઉપરવાસમાં પણ વરસાદને પગલે ઉકાઈ ડેમની સપાટીમાં વધારો નોધાયો છે. જેને લઈને ઉકાઇ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી બે કાંઠે વહી રહી છે.

સુરતમાં પૂરની પરિસ્થિતિ નિવારવા વિતેલા 24 કલાકમાં ઉકાઇ ડેમમાંથી પાણી છોડવા માટે પાંચ વખત નિર્ણયો બદલવા પડયા હતા. રવિવારે 1 લાખ કયુસેક, મધરાતે 1.21 લાખ કયુસેક પાણી છોડાયા બાદ સોમવારે સવારે 72,000, 46,000 કયુસેક કરાયા બાદ મોડીસાંજે ફરી 80,000 કયુસેક પાણી છોડવાનું શરૃ કરી છલોછલ ભરેલા ડેમની સપાટી ઘટાડવા કવાયત ચાલી રહી છે. ડેમની સપાટી 343.61 ફુટ પહોંચી છે.

ઉકાઇ ડેમની સપાટી ભયજનક લેવલની ટચોટચ હોવાથી શહેરીજનોને પૂરના ખતરાથી બચાવવા માટે કોઇ જોખમ ઉઠાવવા માંગતા નથી. આથી જ તો ડેમની સપાટી ભયજનક લેવલથી દોઢ ફૂટ દૂર રાખીને સતાધીશો પાણી છોડવાના નિર્ણયો બદલી રહ્યા છે. જેમાં રવિવારે સાંજે ૧ લાખ કયુસેક પાણી છોડયા બાદ મધરાતે વધારી દઇને 1.21 લાખ કરી દેવાયા હતુ. હથનુર ડેમમાંથી પાણી છોડવાનું ઘટાડી દઇને 50,000 કયુસેક કરી દેવાયુ છે.

(1:04 pm IST)