ગુજરાત
News of Tuesday, 22nd September 2020

ગરીબ લાભાર્થીઓ પાસે એક ફોર્મ દીઠ ૩૦૦૦ લેખે કુલ ૧ લાખ ર૬ હજારની માંગણી મહિલા તલાટીએ કરેલી !!

અઢી માસમાં ૧૦ કેસો લાંચીયા અધિકારીઓ-કર્મચારીઓ સામે ફટકારી ફફડાટ મચાવનારા બોર્ડર એકમના મદદનીશ નિયામક અકિલા સમક્ષ પાટણના ડીસા પંથકના ભૂતીયાવાસણા ગ્રામ પંચાયતના દીપાલીબેન પટેલ વિરૂધ્ધ ગોઠવાયેલા લાંચના સફળ છટકાનો ઘટનાક્રમ વર્ણવ્યો

રાજકોટ, તા., ૨૨: પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નાણાકીય સહાયની માંગણી  સંદર્ભે સરકારમાંથી મંજુર થઇને આવેલ ગ્રાન્ટ લાભાર્થીઓને મકાન સહાય માટે મળે તેવા રાજય સરકારના શુભઆશયનો જાણે છેદ ઉડતો હોય તેમ તલાટી મંત્રી દિપાલીબેન પટેલે એક ફોર્મ દીઠ રૂ.૩૦૦૦ લેખે કુલ ૪ર લાભાર્થીઓ પાસેથી ૧,ર૬,૦૦૦ની માંગણી કરી પ૧,૦૦૦ નો હપ્તો સ્વીકારવા જતા એસીબી છટકામાં સપડાઇ ગયા હતા તેમ ભુજ સ્થિત બોર્ડર એકમ એસીબીના મદદનીશ નિયામક કૃષ્ણકુમારસિંહ ગોહીલે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

પાટણ જીલ્લાના ડીસા પંથકના ભૂતીયાવાસણા ગ્રામ પંચાયતમાં તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા દિપાલીબેન પટેલે લાભાર્થીઓ પાસેથી મકાન સહાય મંજુર કરવાના ઠરાવ કરી આપવાની કરેલ  માંગણીથી એસીબીમાં એક જાગૃત નાગરીક દ્વારા ફરીયાદ કરવામાં આવી હતી તેમ અઢી માસમાં લોકોને જેની સાથે રોજબરોજનો  પનારો છે તેવા લાંચીયા અધિકારીઓ અને સ્ટાફ વિરૂધ્ધ ૧૦ કેસો ફટકારી ફફડાટ મચાવનાર કૃષ્ણકુમારસિંહ ગોહીલે અકિલા સાથેની વાતચીતમાં વિશેષમાં જણાવ્યું હતું.

લાંચનું છટકુ શ્રી ગોહીલના સુપરવિઝન હેઠળ પાટણ એસીબી પોલીસ મથકના પીઆઇ  જે.પી.સોલંકી દ્વારા પાટણના સિહોરી રોડ પર આશાપુરા પેટ્રોલ પંપ પાસેની ચાની લારી પાસે ગોઠવવામાં આવેલ. આરોપી રંગે હાથ ઝડપાઇ જતા વિવિધ સરકારી ખાતાઓમાં હડકંપ મચવા સાથે એસીબી વડા કેશવકુમાર તથા જોઇન્ટ ડાયરેકટર બીપીન આહીર દ્વારા ભુજ બોર્ડર એકમના  વડા તથા સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

(12:08 pm IST)