ગુજરાત
News of Tuesday, 22nd September 2020

ગુજરાતમાં છેલ્લા ૫ વર્ષમાં માર્ગ અકસ્માતમાં ૩૯,૦૦૦ લોકોના મોત

છેલ્લા પાંચ વર્ષમાં (૧ જાન્યુઆરી ૨૦૧૫થી ૩૧ ડિસેમ્બર, ૨૦૧૯ની વચ્ચે) એકિસડન્ટમાં સૌથી વધારે મૃત્યુ ૨૦૧૮માં ૮,૦૪૦ થયા હતાઃ જયારે સૌથી ઓછા મૃત્યુ ૨૦૧૯માં ૭,૪૦૯ થયા હતા

અમદાવાદ,તા.૨૨: રાજયમાં થોડા-થોડા દિવસે રોડ એકિસડન્ટના સમાચાર સામે આવતા રહે છે, પરંતુ આ રોડ એકિસડન્ટે છેલ્લા પાંચ વર્ષમાં કેટલા લોકોનો ભોગ લીધો તેનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. સોમવારે વિધાનસભામાં રાજય સરકારે આપેલી માહિતી પ્રમાણે, રાજયમાં છેલ્લા પાંચ વર્ષમાં રોડ એકિસડન્ટમાં ૩૦,૦૭૨ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

વિધાનસભામાં ચાલી રહેલા સત્રમાં તાલાલા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય ભગાભાઈ બારડે પૂછેલા સવાલના જવાબમાં રાજયના ગૃહમંત્રી દ્વારા લેખિતમાં આ આંકડા રજૂ કરવામાં આવ્યા હતા. બારડે વાહનોના અકસ્માતોના કારણે રાજયમાં થયેલા કુલ મોત અને રોડ એકિસડેન્ટને ઘટાડવા માટે સરકારે લીધેલા પગલાઓ અંગેની માહિતી માગી હતી.

ગૃહમંત્રીએ પોતાના જવાબમાં કહ્યું કે, શહેરો અને જિલ્લાઓમાં રોડ એકિસડન્ટમાં થતાં મૃત્યુને ઘટાડવા માટે ટાર્ગેટ સોંપવામાં આવ્યા છે અને આ અંગે નિયમિત ફોલો-એપ પણ લેવામાં આવી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે, RTO, પોલીસ, R&B અને અન્ય એજન્સીઓની સંયુકત ટીમો અકસ્માત સ્થળની મુલાકાત લે છે અને ખામીયુકત રોડ એકિસડન્ટનું કારણ તો નથી ને તે ચકાસે છે.

તેમણે ઉમેર્યું હતું કે, માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવા માટે રાજયભરમાં નિયમિત ટ્રાફિક શિક્ષણ અને જાગરૂકતા ઝુંબેશ ચલાવવામાં આવે છે. મંત્રીએ તેમના જવાબમાં તેમ પણ કહ્યું હતું કે, પોલીસ કમિશનરો અને જિલ્લા કલેકટરો નિયમિતપણે સ્પીડ લિમિટ અંગેની સૂચનાઓ જાહેર કરે છે.

(11:54 am IST)