ગુજરાત
News of Sunday, 22nd September 2019

શું સુરતમાં અ‌િગ્‍નકાંડ જેવી ઘટના અમદાવાદીઓ ઇચ્‍છે છે ? અમદાવાદમાં ફાયર સેફટીના નિયમોની અૈસીતૈસી કોમ્‍પ્‍લેક્ષ ભોયરામાં ટયુશન કલાસ ચાલતા હોવાનો ભાંડો ભુટ્યો: AMCના અધિકારીઓ જાગશે ?

અમદાવાદ : સુરતમાં (Surat) ક્લાસીસમાં આગ (fire) લાગવાની ઘટના બાદ પણ તંત્ર (AMC) ઘોર નિંદ્રામાં હોય તેવું ધ્યાને આવ્યું છે. વિદ્યાર્થીઓની સલામતીને જોખમમાં મૂકી ક્લાસીસ ચલાવતાં સંચાલકોને ત્યાં ન્યૂઝ 18 ગુજરાતીએ રિયાલીટી ચૅક કરતાં અમદાવાદમાં ભોંયરામાં ક્લાસીસ ચાલતાં હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના (Ahmedabad)ના બાપુનગર ( Bpaunagar) વિસ્તારમાં ખોડિયારનગરનો એચ.એમ. પટેલ ક્લાસ (H.M.Patel Classes) વિદ્યાર્થીઓની સલામતીને જોમખમાં મૂકી બેરોકટોક ચાલી રહ્યો છે.

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલા ખોડિયાર નગર રોડ પર એચ.એમ. પટેલ ક્લાસીસ ધમધમે છે અને તે પણ એક કૉમ્પલેક્સના ભોંયરામાં. અહીં 6-7 વર્ષથી ધોરણ 1થી 12 માટે ક્લાસીસ ચાલી રહ્યાં છે, પરંતુ વિદ્યાર્થીઓની સલામતી કેટલી તે પ્રશ્ર સૌથી પહેલાં ઉપસ્થિત થઈ રહ્યો છે. અહીં કૉમ્પલેક્સમાં ભોંયરામાં જ ચાલતાં ક્લાસીસમાં શિક્ષક વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી રહ્યાં હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા. કેમેરા જોઈને ટ્યૂશન ક્લાસ સંચાલક ક્લાસને તાળા મારી પલાયન થઈ ગયા હતા.

સુરતમાં તક્ષશીલા ઍપાર્ટમેન્ટમાં આગની ઘટના બાદ એક ટ્યૂશન ક્લાસીસના બાળકો મોતને ભેંટ્યા હતા અને આ ઘટના બાદ અમદાવાદનું તંત્ર સફાળુ જાગ્યું હતું અને ગેરકાયદે ચાલતા ક્લાસીસ સામે કાર્યવાહી કરવા તેમજ ગેરકાયદે ચાલતા ટ્યૂશન ક્લાસનો સર્વે કરવાની કામગીરીના આદેશ અપાયા હતા. જોકે, સુરતની ઘટનાને દિવસો વિતી જતાં પરિસ્થિતિ પાછી જૈ સૈ થૈની થઈ ગઈ છે. ટ્યૂશન ક્લાસીસના સંચલાકો બિન્દાસ્ત રીતે ત્યાં વિદ્યાર્થીઓને ભણાવતાં હતા.

બીજીતરફ ક્લાસીસ પર આસપાસ રહેતાં વાલીઓ પણ આ ઘટના બાદ દોડી આવ્યા હતા. વાલીઓએ ક્લાસીસમાં ફાયર સેફ્ટી છે પરંતુ જો ભોયરામાં આગ લાગે તો બાળકો બહાર નીકળી શકે તેવી સ્થિતિ નથી તે ધ્યાને આવતાં ક્લાસીસ ભોંયરામાં નહિ ચલાવવા સંચાલકોને ટકોર કરી હતી. સુરતની ઘટના બાદ શહેરનું તંત્ર જાગ્યું હતું પરંતુ ગણતરીની કામગીરી બાદ તંત્ર ફરી નિંદ્રાધીન થઈ ગયું જેને પગલે ફરી ફાયર સેફ્ટી વિના જ ગેરકાયદે ક્લાસીસ શરુ થઈ ગયા છે, ત્યારે સવાલ અહીં એ થાય છે કે ભોંયરામાં ક્લાસીસ ચાલી રહ્યાં છે તો કલાસીસ સંચાલકને ફાયર એન..સી કેવી રીતે મળી.

(4:04 pm IST)