ગુજરાત
News of Saturday, 22nd September 2018

કર્ણાવતી ક્લબ : મહિલા કર્મીની છેડતીની ઘટનાથી ભારે ચકચાર

રાજપથ બાદ હવે કર્ણાવતી કલબનો નવો વિવાદઃ ભારે વિવાદ બાદ આખરે કર્ણાવતી કલબના મેનેજમેન્ટ દ્વારા સમગ્ર મામલામાં તપાસ કરવાની હૈયાધારણ અપાઇ

અમદાવાદ, તા.૨૨: તાજેતરમાં રાજપથ કલબમાં સ્વિમિંગ કોચ દ્વારા બાળકીઓને માર મારવાની ઘટનાનો વીડિયો વાઇરલ થયા બાદ તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને આ ઘટનાનો વિવાદ હજુ શાંત પડે તે પહેલાં જ કર્ણાવતી કલબમાં મહિલા સફાઇ કર્મચારીની છેડતીનો નવો કિસ્સો સામે આવતાં ભારે ચકચાર મચી ગઇ છે. બીજીબાજુ, કર્ણાવતી કલબના સંચાલકો-હોદ્દેદારો સબસલામત હોવાનો દાવો કરી રહ્યા છે. જો કે, ભારે વિવાદ બાદ કલબના મેનેજમેન્ટ દ્વારા સમગ્ર મામલામાં તપાસ કરવાની હૈયાધારણ અપાઇ હતી. આ સમગ્ર ઘટના અને વિવાદ અંગે કર્ણાવતી કલબના પ્રમુખ જયેશ મોદીએ આ અંગે જણાવ્યું હતું કે સફાઇ કર્મચારી તરફથી હજુ સુધી અમારા પાસે કોઇ જ ફરિયાદ આવી નથી. આમ છતાં કલબના તમામ સીસીટીવી ચેક થઇ રહ્યા છે. જિગર શ્રીમાળી કલબના સુપરવાઇઝર છે. કલબમાં અત્યારે ભયમુક્ત વાતાવરણ છે. આંતરિક વિખવાદને લઇને આવું બની શકે છે. અમને મીડિયા દ્વારા જાણ થઇ છે. ઘટના દસ દિવસ પહેલાંની છે કોઇ પણ મહિલા માટે આવી કોઇ પણ બાબત ચલાવી લેવાશે નહીં આ ઘટનાની પૂરી તપાસ કરવામાં આવશે અને તે સંબંધિત કોઇપણ બાબતે ચોક્કસ તેની ગંભીરતાપૂર્વકની નોંધ અને કડક પગલા લેવામાં આવશે તો ચોક્કસ તેની ગંભીરતાપૂર્વક નોંધ અને પગલા લેવામાં આવશે. કર્ણાવતી કલબની ઘટનામાં મહિલા સફાઇ કર્મચારીની કલબની અંદર સફાઇકામ કરતી વખતે હાથ પકડીને તેની સાથે જે વર્તન કરવામાં આવ્યું છે તે સીસીટીવીમાં છે, જેનો વીડિયો પણ વાઇરલ થયો છે, પરંતુ આ ઘટના બાબતે કોઇ કશું બોલવા તૈયાર નથી. ઉલ્લેખનીય છે કે રાજપથ ક્લબની ઘટના બાબતે પણ હજુ કોઈ પગલા લેવાયા નથી. રાજપથ કલબની સ્વિમિંગ કોચ હાર્દિક પટેલની ઘટના બાબતે શું પગલાં લેવાયા તેના જવાબમાં પ્રમુખ જગદીશ પટેલ જણાવ્યું હતું કે કલબ તરફથી તપાસ કમિટી રચવામાં આવેલી છે. તપાસ રિપોર્ટ રજૂ કરવા માટે હજુ એક સપ્તાહનો સમય બાકી છે. રિપોર્ટ આવ્યા પછી નિર્ણય લેવાશે.

 

(10:03 pm IST)