ગુજરાત
News of Saturday, 22nd September 2018

૨૦ મ્યુનિસિપલ કવાર્ટસના રિડેવલપમેન્ટની તૈયારી શરૂ

સોનેરિયા કવાર્ટસનો પણ સમાવેશ કરાયોઃ પ્રાથમિક તબક્કામાં ર૦ મ્યુનિસિપલ ક્વાર્ટર્સનાં પ૪પ૦ મકાનનું રિડેવલપમેન્ટ કરાશે : લાભાર્થીઓને મોટું મકાન

અમદાવાદ,તા.૨૨: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા વર્ષો જૂના અને જર્જરિત એવા શહેરના ૨૦ જેટલા મ્યુનિસિપલ ક્વાર્ટર્સના રિડેવલપમેન્ટ માટેનાં ચક્રો ગતિમાન કરાયાં છે. આ રિડેવલપમેન્ટ હેઠળ લાભાર્થીને ૪૦ ટકા મોટું મકાન મળવાનું હોઇ પ્રાથમિક તબક્કામાં ર૦ મ્યુનિસિપલ ક્વાર્ટર્સનાં પ૪પ૦ મકાનનું રિડેવલપમેન્ટ કરાશે, જેમાં તાજેતરમાં ધરાશાયી થયેલા ઓઢવના ગરીબ આવાસ યોજના અને સોનેરિયા ક્વાર્ટર્સનો પણ સમાવેશ થાય છે. ત્યારબાદ શહેરના અન્ય જૂના અને જર્જરિત કવાર્ટસને પણ રિડેવલપમેન્ટ હેઠળ તબક્કાવાર આવરી લેવાશે. શહેરભરમાં ઓઢવની શિવમ આવાસ યોજનાએ ભારે ચકચાર મચાવી હતી. જ્યાં બે બ્લોક અચાનક ધરાશાયી થયા બાદ તંત્રના સર્વે મુજબ તમામ ૮૪ બ્લોક ભયજનક હોઇ હવે તંત્ર દ્વારા ત્યાંના રહેવાસીઓ માટે રિડેવલપમેન્ટ પ્લાન જાહેર કરાયો છે. આ ઉપરાંત રખિયાલના સોનેરિયા ક્વાર્ટર્સમાં બ્લોક નંબર ૧૮ની છત અચાનક પડી જતાં પણ મ્યુનિસિપલ સત્તાવાળાઓમાં ભોર દોડધામ મચી હતી. સોનેરિયા ક્વાર્ટર્સમાં કુલ ૭૬૦ મકાન હોઇ તેનો રિડેવલપમેન્ટ પ્લાનમાં સમાવેશ કરાયો છે, જેમાં તંત્રના સર્વે મુજબ અત્યાર સુધીમાં ૧૯૮ મૂળ લાભાર્થી શોધી કઢાયા છે. હાલના પ્રાથમિક તબક્કે તંત્ર દ્વારા ર૦ મ્યુનિસિપલ ક્વાર્ટર્સના રિડેવલપમેન્ટ માટે યાદી કરાઇ છે, જે હેઠળ કુલ પ૪પ૦ મકાનને આવરી લેવાયાં છે. આ તમામ ક્વાર્ટર્સનો સર્વે હાથ ધરાયો છે, જેના આધારે મૂળ લાભાર્થીની સંખ્યા, કેટલા મકાન બનાવવાનાં જરૂરી છે તેની વિગત વગેરે માાહિતી એકઠી કરાશે. મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા કન્સલ્ટન્ટની નિમણૂક પણ કરી દેવાઇ છે. પ્રતિ મકાનદીઠ કન્સલ્ટન્ટને રૂ.૮પ૦ ચૂકવાશે. જે તે ક્વાર્ટર્સની ડિઝાઇન તૈયાર કરાયા બાદ તે મુજબ નવાં ક્વાર્ટર્સ બનાવવા માટેનાં ટેન્ડર બહાર પડશે. તંત્રના રોડ પ્રોજેક્ટથી અસર પામનારા નાગરિકો વગેરે અસરગ્રસ્તોનો પણ રિડેવલપમેન્ટ હેઠળ નવા બનનારા ક્વાર્ટર્સમાં સમાવેશ કરાશે. એક અંદાજ પ્રમાણે ઇડબલ્યુએસનું ૩૦ મીટરનું મકાન તૈયાર કરવાનો ખર્ચ આશરે રૂ.૬.પ૦થી ૭.૦૦ લાખ થાય છે. જોકે ડેવલપરને જે તે પ્લાન હેઠળની બાકી બચેલી જગ્યા પોતાની રીતે ડેવલપ કરવા સોંપાશે. અમ્યુકોના આ નવતર આયોજનમાં લાભાર્થીઓને ૪૦ ટકા મોટુ મકાન મળવાનું હોઇ તેમને સીધો ફાયદો થશે. પ્રથમ તબક્કો પૂરો થયા બાદ શહેરના અન્ય જૂના અને જર્જરિત આવાસોને તબક્કાવાર રીતે રિડેવલપમેન્ટ હેઠળ આવરી લેવાશે.

(7:29 pm IST)