સુરત-કડોદરામાં વેપારી એમ્બ્રોડરી જોબવર્કરના મજૂરીના પૈસા ચૂકવ્યા વગર રફુચક્કર
સુરત:સુરત-કડોદરા રોડ કુંભારીયા ગામ સ્થિત સંગીની હબમાં ક્રિષ્ણા ફેશનના નામે દુકાન ધરાવતો વેપારી સંખ્યાબંધ એમ્બ્રોઈડરી જોબવર્ક કરનારાઓના મજુરીના લાખો રૃપિયા ચુકવ્યા વિના દુકાન બંધ કરી ફરાર થઈ ગયો છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ પૂણા ગામ દાનગીગેવ સોસાયટી ઘર નં.-૧૪૩ માં રહેતા કાળુભાઈ છગનભાઈ હીરાણી કાપોદ્રા સિધ્ધકુટીર ઈન્ડસ્ટ્રીઝમાં નરેશભાઈ મગનભાઈ જોગાણી સાથે ભાગીદારીમાં એમ્બ્રોઈડરી જોબવર્કનું કામ કરે છે.
ગત માર્ચ માસમાં કાળુભાઈની ઓળખાણ સુરત-કડોદરા રોડ કુંભારીયા સ્થિત સંગીની હબમાં ક્રિષ્ણા ફેશનના નામે સાડીનો વેપાર કરતા વિનોદભાઈ ઓમપ્રકાશ ચૌધરી સાથે થઈ હતી. વિનોદભાઈએ સાડી ઉપર એમ્બ્રોઈડરી જોબવર્ક કરાવી તેનું પેમેન્ટ સમયસર કરતાં તેમના ઉપર કાળુભાઈને વિશ્વાસ હતો.