ગુજરાત
News of Saturday, 22nd September 2018

સાયબર સેલને અલગથી પોલીસ સ્‍ટેશનનો દરજ્‍જો આપવા અમદાવાદ ક્રાઇમ બ્રાંચની માંગણીઃ 3 વર્ષમાં સાયબર ક્રાઇમના કિસ્‍સામાં 60 ટકા જેટલો વધારો

અમદાવાદઃ શહેરમાં એકદમથી વધી રહેલા સાયબર ક્રાઈમના ગુનાને કારણે શહેર ક્રાઇમ બ્રાંચે પોતાના સાયબર સેલને અલગથી પોલીસ સ્ટેશનનો દરજ્જો આપવાની માગણી કરી છે. હાલ શહેરનો સાયબર સેલ શહેર ક્રાઇમ બ્રાંચની અંતર્ગત કામ કરી રહ્યો છે.

ક્રાઇમ બ્રાંચના DCP દીપેન ભદ્રને કહ્યું કે, ‘પ્રપોઝલ અંગે હાલ વિચારણા ચાલી રહી છે અને શક્ય છે કે નજીકના સમયમાં તેને સ્વીકારી લેવામાં આવે.’ સાયબર સેલના સૂત્રોએ કહ્યું કે, ‘સાયબર ગુનામાં ખૂબ મોટા પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. પાછલા ત્રણ વર્ષમાં સાયબર ક્રાઇમના કિસ્સામાં 60% જેટલો વધારો નોંધાયો છે.’

સાયબર સેલના અધિકારીઓએ કહ્યું કે, ‘વર્ષ 2009થી સાયબર સેલ કાર્યરત છે જે દરમિયાન વર્ષ ભરમાં 1500 જેટલી ફરિયાદ આવતી હતી. પરંતુ વર્ષ 2016માં આંકડો વર્ષની 3000 ફરિયાદ સુધી પહોંચી ગયો હતો. જેમાં મોટાભાગની ફરિયાદ નવેમ્બર 2016માં નોટબંધી પછીની છે.’ જ્યારે 2017માં ફરિયાદ વધીને 4000 સુધી પહોંચી ગઈ હતી. સાયબર સેલના DCP રાજદીપસિંહ ઝાલાએ કહ્યુંકે, ‘અમને કરવામાં આવતા કુલ કોલ પૈકી 5% જેટલા કેસમાં ફ્રોડનો ગુનો આચરવામાં આવ્યો હોય છે.’

જોકે સાથે તેમણે ઉમેર્યું કે, ‘હમણા થોડા દિવસ પહેલા અમે દિલ્હીની બે મોટી ગેંગનો પર્દાફાશ કર્યો જેમણે ગુજરાત સહિત દેશના 25 રાજ્યોમાં પોતાની જાળ બીછાવી લોકોને ઓનલાઇન છેતર્યા હતા.’ ઝાલાએ કહ્યું કે, ‘ કેસમાં ચાર વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી જેમાં એક મહિલા ફોન કરીને સામેના વ્યક્તિને ઇન્સ્યોરન્સની રકમના નામે ફોસલાવતી હતી. જે બાદ રકમ આપવાના નામે GST અને બીજા ટેક્સના નામે રુપિયા ઉઘરાવી સામેના વ્યક્તિને છાતરતા હતા.’

(5:03 pm IST)