ગુજરાત
News of Wednesday, 22nd August 2018

આણંદ નજીક બાકરોલ-લાંભવેલ રોડ પર શાળાના તાળા તોડી તસ્કરોએ અંદર ઘુસવાનો પ્રયાસ કર્યો

આણંદ: નજીક આવેલા બાકરોલ-લાંભવેલ રોડ પરની પીન્ટોસ સ્કૂલમાં ત્રાટકેલા તસ્કરો દ્વારા તાળા તોડીને અંદર ઘુસી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અંદરથી રોકડ સહિત કોઈ કિંમતી ચીજવસ્તુઓ ના મળતાં તસ્કરોને ફોગટનો ફેરો પડ્યો છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર બાકરોલ-લાંભવેલ રોડ ઉપર પીન્ટોસ હાઈસ્કૂલ આવેલી છે જેમાં રાત્રીના ત્રણથી પાંચના ગાળા દરમ્યાન ત્રાટકેલા કેટલાક તસ્કરો સ્કૂલની કમ્પાઉન્ડ વોલ કુદીને અંદર પ્રવેશ્યા હતા અને ઓફિસનું તાળુ તોડીને ટેબલના ડ્રોઅર તેમજ કોઈ સાધન વડે તિજોરી તોડીને અંદરનો બધો સામાન વેરણ-છેરણ કરી નાંખ્યો હતો. જો કે રોકડ સહિત કોઈ કિંમતી ચીજવસ્તુઓ ના મળી હોય તસ્કરોને નિરાશ થવું પડ્યું હતુ. 

આ અંગે સ્કૂલના પ્રિન્સિપાલ સીલીવીયા વેલેન્ટાઈન પીન્ટોએ વિદ્યાનગર પોલીસ મથકે આવીને ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને તસ્કરોને ઝડપી પાડવા માટે ડોગ સ્ક્વોડ તથા એફએસએલની મદદથી તપાસ હાથ ઘરી છે.

(5:05 pm IST)