ગુજરાત
News of Wednesday, 22nd August 2018

ઉમરેઠ-આણંદ રોડ પર પુરપાટ ઝડપે જતી રીક્ષા ડમ્પર પાછળ ધડાકાભેર અથડાતા સર્જાયેલ અકસ્માતમાં 5 ઈજાગ્રસ્ત

ઉમરેઠ-આણંદ રોડ ઉપર આવેલા જાખલા નજીક ગઈકાલે રાત્રીના સુમારે પુરપાટ ઝડપે જતી અતુલ શક્તિ રીક્ષા આગળ ઉભેલા ડમ્પરની પાછળ ધડાકાભેર અથડાતાં તેમાં સવાર પાંચને વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થતાં તેઓને સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ અંગે ભાલેજ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 

મળતી વિગતો અનુસાર ઠાસરા તાલુકાના માસરા ગામે રહેતા ફરિયાદી વિજયભાઈ સોમાભાઈ સોલંકી વિદ્યાનગરની જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં નોકરી કરે છે. ગઈકાલથી તેમની સાથે નોકરી નાઈટ શીફ્ટમાં આવતી હોય તેમની સાથે નોકરી કરતાં દિલીપભાઈ માવાભાઈ, દીલીપભાઈ રઈજીભાઈ તથા ભરતભાઈ અજેસિંહ ફતેપુરા ગામના રણજીતભાઈ રામાભાઈ સોલંકીની અતુલ શક્તિ ટેમ્પીમાં સવાર થઈને નોકરી પર જવા નીકળ્યા હતા. 

સાડા આઠેક વાગ્યાના સુમારે તેઓ જાખલા ગામ વટાવીને આગળ જતા હતા ત્યારે આગળ ઉભેલા ડમ્પરની પાછળ અતુલ શક્તિ રીક્ષા ભટકાઈ હતી જેમાં પાંચેયને વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થવા પામી હતી. ઘટનાની જાણ ૧૦૮ મોબાઈલ વાનને કરવામાં આવતાં તેઓ આવી ચઢ્યા હતા અને તમામને સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં લઈ ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર રાત્રીના સુમારે ચાલકને આગળ ડમ્પર ઉભુ છે તે ખબર જ પડી નહોતી. એકદમ નજીક આવી જતાં ચાલકે બ્રેક મારવાની કોશિષ કરી હતી પરંતુ બ્રેક વાગી નહોતી અને ડમ્પરની પાછળ ભટકાતા અકસ્માત સર્જાયો હતો.

(5:05 pm IST)