ગુજરાત
News of Wednesday, 22nd August 2018

સુરતની નવી સિવિલ હોસ્‍પિટલમાં સગા બાપના દુષ્‍કર્મનો ભોગ બનેલી ૧૨ વર્ષની બાળાઅે બાળકને જન્મ આપ્યોઃ બાળાના માતા-પિતા પાંચ વર્ષથી અલગ રહેતા હતાઃ બાળા રજાઓમાં પિતાના ઘરે જતી ત્યારે શિકાર બનતી

સુરત: સગા બાપની જ હવસનો ભોગ બનેલી 12 વર્ષની માસૂમ છોકરીએ બાળકને જન્મ આપ્યો છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આ કમનસીબ છોકરીએ છોકરાને જન્મ આપ્યો હતો. તેના પર તેના જ 40 વર્ષના બાપે રેપ કર્યો હતો. જોકે, આ અંગે ફરિયાદ થઈ ત્યારે તેને છ મહિનાનો ગર્ભ હતો.

બળાત્કારની ફરિયાદ થયા બાદ ગર્ભાવસ્થાને છ મહિના થઈ ગયા હોવાથી તેનો ગર્ભપાત પણ નહોતો થઈ શક્યો. છોકરીએ સોમવારે સિઝેરિયન દ્વારા જે બાળકને જન્મ આપ્યો તેનું વજન 1 કિલો છે, હાલ બાળક અને તેની માની તબિયત સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે.

પીડિતા તેની માતા સાથે કતારગામમાં રહેતી હતી, જ્યારે તેનો બાપ તાપી જિલ્લાના કાકરાપાર નજીકના એક ગામમાં રહેતો હતો. છોકરીના મા-બાપ પાંચ વર્ષથી અલગ રહેતા હતા, પરંતુ છોકરી રજાઓમાં બાપના ઘરે જતી હતી. છોકરી ગર્ભવતી હોવાનું તેની માતાને જુન મહિનામાં જાણવા મળ્યું હતું, અને પછી આ અંગની ફરિયાદ કરાઈ હતી.

શરુઆતમાં તો છોકરીએ તેના દૂરના મામાએ તેના પર રેપ કર્યાનું રટણ કર્યું હતું, પરંતુ જ્યારે CrPC હેઠળ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની હાજરીમાં તેનું નિવેદન નોંધાયું ત્યારે તેણે પોતાના બાપનું નામ લીધું હતું. પોલીસને છોકરીની માની પૂછપરછમાં એમ પણ જાણવા મળ્યું હતું કે, તેનો બાપ તેના માસિક વિશે પૂછતો રહેતો હતો.

(4:58 pm IST)