ગુજરાત
News of Wednesday, 22nd August 2018

અમદાવાદમાં નો પાર્કીંગમાં પડેલી કારને પોલીસે લોક માર્યુ તો કારમાલિક લોક તોડીને કાર લઇને ગાયબ થઇ ગયોઃ પોલીસે લોક ચોરી અને ટ્રાફિક નિયમભંગનો ગુનો નોંધ્યો

અમદાવાદ: છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરાવી રહેલી પોલીસ સામે સોમવારે એક વિચિત્ર સ્થિતિ સર્જાઈ હતી. રસ્તા પર ટ્રાફિકની મૂવમેન્ટમાં કોઈ અડચણ ન થાય તે માટે નો પાર્કિંગમાં પાર્ક કરેલી એક ગાડીને પોલીસે લોક તો મારી દીધું હતું, પરંતુ કારચાલકે જે કર્યું તેની પોલીસે કલ્પના પણ નહોતી કરી.

માધુપુરા પોલીસ સ્ટેશનની હદમાં બનેલા આ બનાવમાં પોલીસ નો પાર્કિંગમાં પડેલી જે કારને લોક મારી ગઈ હતી તેને તોડી કારચાલક છૂ થઈ ગયો હતો. એટલું જ નહીં, ટ્રાફિક પોલીસે જે લોક માર્યું હતું તે પણ ગુમ થઈ ગયું હતું. આ અંગે પોલીસે ફરિયાદ નોંધી ગાડીવાળાને શોધવાનું શરુ કર્યું છે.

ટ્રાફિક કોન્સ્ટેબલ રણબીરસિંઘ જાટે નોંધાવેલી ફરિયાદ અનુસાર, આ ગાડી પ્રેમ દરવાજા ટ્રાફિક પોલીસ સ્ટેશન નજીક પાર્ક કરાઈ હતી. પોલીસે તેને ક્લેમ્પ-ટાઈપ વ્હીલ લોક માર્યું હતું, અને ડ્રાઈવરને આ અંગે જાણ પણ કરવામાં આવી હતી. પોલીસે શનિવાર રાત સુધી ડ્રાઈવરની રાહ જોઈ હતી, અને તેને ફોન પણ કર્યા હતા.

કોન્સ્ટેબલે ડ્રાઈવરને એક હજાર રુપિયા દંડ ભરી જવા કહી દીધું હતું. જોકે, શનિવારે રાત્રે આ ગાડીના ડ્રાઈવરે પોલીસ કોન્સ્ટેબલને ફોન કરીને પોતાનું નામ તનવીર પઠાણ હોવાનું જણાવ્યું હતું, અને તેણે એમ પણ કહ્યું હતું કે તે પોલીસે મારેલું લોક તોડીને જઈ રહ્યો છે. આ ફોન આવતા જ કોન્સ્ટેબલ ગાડીને જ્યાં લોક મરાયું હતું ત્યાં દોડી ગયો હતો.

જોકે, ઘટના સ્થળ પર પહોંચેલા પોલીસ કોન્સ્ટેબલે જોયું તો ત્યાંથી કાર અને લોક બંને ગાયબ હતા. તેણે ડ્રાઈવરને ફોન પણ કર્યો, પરંતુ તેણે તેનો ફોન ઉઠાવવાનું પણ બંધ કરી દીધું હતું. ત્યારબાદ ટ્રાફિક કોન્સ્ટેબલે આ અંગે માધુપુરા પોલીસ સ્ટેશનમાં લોક ચોરી કરાયાની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, આ ગાડી વડોદરામાં રજિસ્ટર થયેલી હતી, અને તેના માલિકને શોધવા માટે પોલીસે કાર્યવાહી શરુ કરી દીધી છે. માધુપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ વીએન રબારીના જણાવ્યા અનુસાર, કોઈ કારચાલક લોક તોડીને ભાગી ગયો હોય તેવો આ પહેલો કિસ્સો છે. નાસી ગયેલા ડ્રાઈવરને પકડવા આરટીઓનો સંપર્ક પણ કરવામાં આવ્યો છે.

(4:56 pm IST)