ગુજરાત
News of Thursday, 22nd July 2021

અમદાવાદ : ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણાની હત્યા મામલે મનીષ બલાઈ દોષિત જાહેર : ચુકાદો અનામત

અમદાવાદ: વર્ષ 2016માં ક્રાઇમ બ્રાંચના પોલીસ કોન્સ્ટેબલ  ચંદ્રકાંત મકવાણાની થયેલી હત્યા મામલે અમદાવાદ સિટી સેસન્સ કોર્ટે મનીષ બલાઈને દોષિત જાહેર કર્યો છે. આ કેસમાં સજાની સુનાવણી પણ આજે જ કરવામાં આવશે. ગત સુનાવણી વખતે કોર્ટે ચૂકાદો અનામત રાખ્યો હતો. આ કેસમાં છ વર્ષ બાદ નામદાર કોર્ટે આરોપી મનીષ બલાઈને દોષી જાહેર કર્યો છે. આ મામલે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યૂટર અમિત એમ. પટેલ જણાવ્યું હતું કે, સરકાર તરફથી આ કેસ સાબિત કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકારે આ મામલે રજુઆત કરી છે કે આ કેસને રેરેસ્ટ ઑફ રેર નહીં પરંતુ ખાસ કેસ ગણીને આરોપી જીવે ત્યાં સુધીની સજા આપવામાં આવે. જ્યારે બચાવ પક્ષ તરફથી આ દલીલ કરવામાંઆવી હતી કે આ કેસ રેરેસ્ટ ઑફ રેર નથી. આ ઉપરાંત આરોપીને લાઇફટાઇમથી વધારે કેદની સજા ન આપવામાં આવે. આ કેસમાં ફરિયાદ પક્ષે 65 સાક્ષી રજૂ કર્યાં હતાં.

20 એપ્રિલ, 2016ના રોજ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં નાર્કોટિક્સના ગુનામાં મનીષ શ્રવણકુમાર બલાઈને લાવવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાંચની ઓફિસ ખાતે મનીષની પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ બાદ અધિકારીઓ ઘરે ગયા હતા જ્યારે મોડી રાત્રે ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેલબ ચંદ્રકાંત મકવાણા આરોપી મનીષની વૉચ રાખી રહ્યા હતા. આ દરમિયાન તકનો ગેરલાભ ઉઠાવીને આરોપી મનીષે પોલીસ કોન્સ્ટેબલના માથામાં પાઇપ મારી દીધી હતી.
પાઇટનો ફટકો વાગતો પોલીસ કોન્સ્ટેબલનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જે બાદમાં આરોપી ત્યાંથી ભાગી ગયો હતો. હત્યા બાદ આરોપી ટ્રેન મારફતે વડોદરાના મિયાણી ભાગી ગયો હતો. જે બાદમાં પોલીસે મોબાઇલ ફોનના લોકેશનને આધારે તેની ધરપકડ કરી હતી.

આ પહેલાની સુનાવણી દરમિયાન પોલીસ જ્યારે આરોપીને કોર્ટ બહાર લઈ જતી હતી ત્યારે કેટલાક લોકોએ આરોપી મનીષને માર માર્યો હતો. પોલીસે વચ્ચે પડીને મનીષને બચાવ્યો હતો.

(1:09 pm IST)