ગુજરાત
News of Thursday, 22nd July 2021

MBA ચાયવાલા

૨૪ લાખના પગારની નોકરી ઠુકરાવીને એમબીએ સ્ટુડન્ટે ખોલી ચાની કીટલી

કોરોના દરમિયાન રસ્તા પર ફરજ બજાવતા કોરોના વોરિયર્સને મફતમાં ચાનુ વિતરણ કર્યું : અને લોકો પાસેથી ચા અંગેના રિવ્યુ મેળવ્યા

સુરત,તા. ૨૨: સામાન્ય રીતે કોરોનાના કપરા કાળમાં કોઇ પણ વ્યકિત લાખો રૂપિયાની નોકરી છોડી શકે એ વાત માનવામા ન આવે. પરંતુ કહેવાય છે ને એક ગુજરાતી જ શુન્યમાંથી સર્જન કરી જાણે છે. આવો જ એક કિસ્સો સુરતથી સામે આવ્યો છે. જેમાં રત્ન કલાકારના પુત્રને પુણેની સિમ્બાસીસ યુનિવર્સિટીમાંથી એમબીએનો અભ્યાસ કર્યો અને અભ્યાસ પૂર્ણ થતા જ ૨૪ લાખના પગારની નોકરીની ઓફર મળી. જો કે આ યુવાને નોકરીને ઠોકર મારી ચાની દુકાન ખોલી હાલ લાખો રૂપિયા કમાઇ રહ્યો છે.

સુરતના વરાછા વિસ્તારમા રહેતા મિતુલ પડસાલાના પિતા રત્નકલાકાર તરીકે કામ કરે છે. મિતુલે પૂણેની સિમ્બાસીસ યુનિવર્સિટીમા એમબીએનો અભ્યાસ કર્યો છે. મિતુલના પિતા રત્નકલાકાર હોઈ તેમની પાસે તેને ભણાવવાના પૂરતા રૂપિયા ન હતા, જેથી અભ્યાસનો ખર્ચો તેના કાકાએ ઉઠવ્યો હતો. વર્ષ ૨૦૧૯ માં મિતુલે પોતાનો અભ્યાસ પૂરો કરતાની સાથે જ રાષ્ટ્રીયકૃત બેંકમાંથી રૂપિયા ૨૪ લાખના પગારની ઓફર મળી હતી. પરંતુ મિતુલે કોરાનાની પરિસ્થિતિમાં લાખો રૂપિયાની નોકરી કરવાને બદલે તેને ઠુકરાવી દીધી હતી. કારણ કે મિતુલનુ સ્વપ્ન કંઇક અલગ જ હતુ.

મિતુલ કોરોનાના સમયમાં પૂણેથી સુરત આવી ગયો હતો. શરુઆતના સમયમા તે કોરોના દરમિયાન રસ્તા પર ફરજ બજાવતા પોલીસ, ઝાડુ મારવાવાળા કર્મચારીઓને મફતમાં ચાનુ વિતરણ કરતો હતો. જયાંથી તે લોકો પાસેથી ચા અંગેના રિવ્યુ પણ મેળવતો હતો. જુદા જુદા લોકો પાસેથી ચા અંગેના રિવ્યુ મેળવી તેણે અલગ અલગ ૪૨ પ્રકારની ચા બનાવવાની રેસિપી શીખી લીધી. ચા બનાવતા શીખ્યા બાદ તેણે ચા માટે કેફે ખોલવાનુ નક્કી કર્યુ હતુ. જો કે જે તે સમયે તેના પરિવારને પસંદ ન હતુ કે દીકરાએ આટલો અભ્યાસ કર્યો અને લાખ્ખો રૂપિયાની નોકરી છોડી હવે ચા વેચશે.

જો કે મિતુલએ પરિવારને પોતાની સાથે લઈ સુરતના વેસુ વિસ્તારમા 'આપ કી અપની ચા'નામની દુકાન ખોલી છે. જયાં આજે તે ૪૨ પ્રકારની ચા ગ્રાહકને પીરસી રહ્યો છે. આ શોપમાં રૂપિયા ૪૦ થી લઇને ૧૦૨ રૂપિયામાં ચા વેચાય છે. ચા ની સાથે મિતુલની શોપમાં ત્રણ પ્રકારની કોફી પણ મળે છે. કે જેથી કોફીરસિયાઓને બીજી જગ્યાએ જવુ ન પડે.

હાલ મિતુલ આ જ ચાની દુકાનમાંથી લાખ્ખો રુપિયાની કમાણી કરી રહ્યો છે. આ દુકાનમા ગ્રાહકો માટે બીજી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. આ ટી કેફે સંપૂર્ણ ડિજિટલ છે. ઓર્ડર બુક પણ ડિજિટલ રાખવામાં આવ્યુ છે. સાથોસાથ ગ્રાહકનો ઓર્ડર આવે ત્યા સુધી તેઓ ચેસ તથા પુસ્તક રીડિંગ પણ કરી શકે તે રીતનુ આયોજન કરવામા આવ્યું છે.

(10:35 am IST)