ગુજરાત
News of Monday, 22nd July 2019

અમોદમાં ગઠીયા સક્રિય :એક જ દિવસમાં બે લોકોના એટીએમમાંથી કાર્ડ વગર નાણાંની ઉઠાંતરી ;ફફડાટ

ડીસ્ટ્રીક બેન્કનું અને એક્સિસ બેન્કના એટીએમમાં ગઠિયાઓ કળા કરી ગયા

ભરૂચના અમોદમાં એટીએમમાં કાર્ડ વગર નાણાંની ઉઠાંતરી કરતા ગઠીયા સક્રિય થયા છે એક જ દિવસમાં બે લોકોના નાણાંની ઉઠાંતરી થતા ચકચાર મચી જવા પામી છે

આ અંગે મળતી વિગત મુજબ આમોદ તાલુકાના રોધ ગામના મહેશભાઈ નવીનભાઈ પટેલ ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો.ઓપરેટિવ બેંકમાં પોતાનું ખાતું ધરાવે છે.જેઓને નાણાંની જરૂર પડતા આમોદમાં આવેલ ડિસ્ટ્રિક્ટ બેન્કના ATM મશીન ઉપર પહોંચ્યા હતા ત્યાં મશીનમાં કેશ ન હોવાને કારણે તેઓ નવજીવન શોપિંગ સેન્ટરમાં આવેલ એક્સિસ બેન્કના ATM ઉપર પહોંચ્યા જ્યાં તેમણે 10:07 વાગ્યાના સમયે પોતાના ATM કાર્ડ દ્વારા 500 રૂપિયા ઉપાડ્યા હતા પછી તેઓ ઘરે પરત ફર્યા હતા.ત્યારબાદ તેમના ફોન ઉપર 11:31 વાગ્યાના સમયે નાણાં ઊપડ્યાનો મેસેજ આવ્યો તેમણે ચેક કરતા જાણવા મળ્યું કે તેમના એકાઉન્ટ માંથી રૂપિયા 1,49,000 ઊપડ્યા છે તો તેમણે ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેન્કનો સંપર્ક કરતા જાણવા મળ્યું કે કરજણ નવાબજારમાં આવેલ એક્સિસ બેન્કના ATM માંથી કોઈએ ઊપડ્યા છે તો તેમણે આમોદ પોલીસ મથકે લેખિતમાં અરજી આપી આ બાબતની જાણ કરી હતી.મહેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે મારા ATM કાર્ડની લિમિટ 25,000 ની છે તો એક જ દિવસમાં 16 ટ્રાન્જેકસન થઈ રૂપિયા 1,49,000 ઊપડ્યા કઇ રીતે આ પ્રશ્ન મેનેજરને પૂછતાં મેનેજરે ગલ્લા-તલ્લા કર્યા હતા.

તે જ દિવસે આમોદ નગરપાલિકામાં સમાજ સંગઠક તરીકે ફરજ બજાવતા અંકિતાબેન નવીનચન્દ્ર પંડ્યા જેઓ આમોદમાં આવેલ SBI બેંકમાં પોતાનુ ખાતું ધરાવે છે.જેઓ એ જ નવજીવન શોપિંગ સેન્ટરમાં આવેલ એક્સિસ બેન્કના ATMમાં નાણાં ઉપાડવા ગયા હતા.તેમણે 9:58 વાગ્યાના સમયે પોતાના ATM દ્વારા રૂપિયા 2000 ઊપડ્યા હતા ત્યારબાદ તેમના પર બપોરે 3:51 વગ્યાના સમયે ફોન ઉપર મેસેજ દ્વારા રૂપિયા 40,000 ઊપડ્યાની જાણ થઈ તો તેમણે આ અંગે તપાસ કરી તો જાણવા મળ્યું કે બોરસદમાં આવેલ UCO BANK નાં ATM દ્વારા ઊપડ્યા છે તેમણે મેનેજર ને પૂછતાં મેનેજરે ગલ્લા-તલ્લા કર્યા હતા.આ બાબતની જાણ અંકિતાબેને આમોદ પોલીસ મથકે કરી હતી

  એક જ દિવસમાં બે-બે વ્યક્તિના ATM કાર્ડ વગર અન્ય બેન્કના ATM દ્વારા નાણાં ઉપડવાની આ ઘટનાએ આમોદ તાલુકામાં ફફડાટ ફેલાવી મુક્યો છે.આ ભેજાબાજ વ્યક્તિ ATM માંથી કઈ રીતે નાણાંની ચોરી કરે છે અને તે કોણ છે તેને પોલીસ ક્યારે ઝડપી પાડી કાર્યવાહી કરશે તે હવે જોવું રહ્યું.

(7:49 pm IST)