આણંદ એસઓજીએ રાત્રીના સુમારે પોલીસે દરોડા પાડી મકાનમાંથી ગાંજાનો જથ્થો ઝડપ્યો
આણંદ: એસઓજી પોલીસે આજે રાત્રીના સુમારે પુર્વ પટ્ટી વિસ્તારમાં આવેલા નુતનનગર પાસેના એક પહેલા માળે આવેલા મકાનમાં છાપો મારીને એક પરપ્રાંતીયને નશીલા પદાર્થના મોટા જથ્થા સાથે ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ લખાઈ રહ્યું છે ત્યારે મોટાભાગે આ નશીલો પદાર્થ ગાંજો જ હોવાનું કહેવાઈ રહ્યું છે અને પોલીસે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર નુતનનગરમા પ્રવેશતા જ આવેલી મસ્જીદથી અમીના મંઝિલ તરફ જવાના રોડ ઉપર આવેલા મકાનો પૈકી ઉપલા માળે રહેતા એક બિહારી શખ્સ દ્વારા મોટાપાયે નશીલા પદાર્થનો જથ્થો લાવીને તેનું પડીકી, સીગરેટ વગેરેમાં છુટક વેચાણ કરવામાં આવતું હોવાની એક ગુપ્ત માહિતી આણંદ એસઓજી પોલીસને મળી હતી જેથી પોલીસની ટીમ ત્રાટકી હતી અને બિહારી શખ્સને ઝડપી પાડીને તેના ઘરમાંથી મોટાપાયે કાળા કલર જેવો પદાર્થ જપ્ત કર્યો હતો. આ પદાર્થ શું છે તેની ખાતરી કરવા માટે એફએસએલને ઘટનાસ્થળે બોલાવતા તેઓએ ચકાસણી કરીને નશીલો પદાર્થ ગાંજો હોવાનું જણાવ્યું હતુ. જેથી પોલીસે બિહારી શખ્સને અટકાયતમાં લઈને તેની પ્રાથમિક પુછપરછ હાથ ધરી હતી.