ગુજરાત
News of Sunday, 22nd July 2018

સુરતમાં પુત્રને મોતને ઘાટ ઉતારનાર પિતાઅે કહ્યું બીજા ખોળે પુત્રીને બદલે પુત્ર જન્‍મતા તે પસંદ ન હોય બીજા પુત્ર નિવને નદીમાં ફેંકી દીધેલ : આખરે પિતા પોલીસ પાસે પોપટ બની ગયો

હત્‍યારો પિતા ભાજપ કાર્યકર હોવાથી તેને બચાવવા મોટા માથાઓ સક્રિય : આ પ્રકરણ સોશ્‍યલ મીડીયામાં પણ ચમક્યું

બારડોલી નજીક વણેસા ગામના લુહાર ફળિયામાં રહેતા નિશિત રાજેશ પટેલે તેના અઢી વર્ષના માસૂમ પુત્ર નિવને મિંઢોળા નદીના પુલ પરથી કોથળામાં ભરી નદીમાં ફેંકી દીધો હતો. આ કેસમાં નિશિત દિવસ બદલાય તેમ નિવેદન બદલી રહ્યો છે. અગાઉ નિવનું અપહરણ કરી અપહરણકારો કોથળામાં ભરી લાશ નદીમાં ફેંકી ગયા હોવાની વાર્તા નિશિતે કરી હતી. ત્યારબાદ પોલીસને અપહરણકારો અંગે કોઇ કડી નહિ મળતા કરેલી પૂછપરછમાં નિશિતે બ્રિજ પર ઉભા હતા ત્યારે નિવ હાથમાંથી છટકીને નદીમાં પડી ગયો હોવાની સ્ટોરી કરી હતી.

જોકે, સમાજના લોકો તથા ગ્રામજનોએ નિશિત જુઠ્ઠાણું ચલાવતો હોવાના આક્ષેપો કરી ભારે હંગામો કર્યો હતો. જેથી પોલીસે કડકાઇ દાખવી હતી અને ડીએસપી કચેરીમાં પત્નીની હાજરીમાં નિશિતની ઉલટતપાસ કરાઇ હતી. જે તપાસમાં નિશિત ભાંગી પડયો હતો અને અને પોતે જ નિવને નદીમાં ફેંક્યો હોવાની વાત કરી હતી. બીજા સંતાન તરીકે દીકરીની ઇચ્છા હોય નિશિતને નીવ પસંદ નહોતો. જેથી હત્યા કરી હોવાની કબૂલાત કરતા પોલીસે હત્યાનો ગુનો નોંધી નિશિતની ધરપકડ કરી રિમાન્ડ મેળવી પૂછપરછ આદરી હતી.

જોકે, લોકોને હજુ પણ નિશિતની આ સ્ટોરી અંગે શંકા હતી. નિશિત હત્યાના કારણ અંગે કાંઇક છૂપાવી રહ્યો છે, તેની આ સ્ટોરી કોઇના પણ ગળે ઉતરી ન હતી. પોલીસને પણ કારણ શંકાસ્પદ લાગતા પૂછપરછ કરાઇ હતી અને આખરે નિશિતે આજરોજ નવો ખુલાસો કર્યો હતો. પોલીસ સમક્ષ નિશિતે જણાવ્યું કે, તેને નિવ પોતાનો દીકરો હોવા અંગે શક હતો. છેલ્લાં એક-દોઢ વર્ષથી તેના મનમાં આ શંકા ઉપજી હતી. નિવ મારો દીકરો નથી એવું માની મનમાં ને મનમાં રિબાયા કરતો હતો, જેથી તેને નદીમાં ફેંકી દીધો હતો એવું નિશિતે પોલીસ સમક્ષ નિવેદન નોંધાવતા પોલીસ અધિકારીઓ ચોંકી ગયા હતા. વધુમાં નિશિતે પ્રિ-પ્લાન હત્યાનો કારસો ઘડયો હતો. તેને ઘટનાના આગલા દિવસે બ્રિજ પર જઇ રેકી કરી હતી અને બાદમાં બીજે દિવસે સવારે બ્રિજ પરથી નિવને નદીમાં ફેંકી દીધો હોવાનું પોલીસે જણાવ્યું હતુ.

ચકચારી આ કેસમાં ફેસબુક અને વોટ્સએપ પર એકાઉન્ટ બનાવી લોકો હત્યારાને કડકમાં કડક સજા ફટકારવા અંગે ટિપ્પણી કરી રહ્યા છે. જસ્ટિસ ફોર નિવ નામનું એકાઉન્ટ કહો કે વોલ બનાવી લોકો આ અંગે ટિપ્પણી કરી રહ્યા છે.

આક્રોશિત લોકોએ ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારના નામજોગ ખુલ્લો પત્ર લખ્યો છે. આ પત્રમાં લખવામાં આવ્યું છે કે * નિષ્ઠુર બાપે પોતાના સગા માસૂમ દીકરાની નિર્મમ હત્યા કરી છે. આ પિશાચી કૃત્ય કરનારને ગામ અને સમાજથી દૂર કરો. હત્યારો ભાજપનો કાર્યકર્તા હોય તેને બચાવવા રાજનેતાઓ પ્રયાસ કરી રહ્યા છે. જે કોઈ રાજનેતા કે સામાજિક અગ્રણી આવી નિમ્નકક્ષાની ચેષ્ટા કરશે તો તેનો પણ બહિષ્કાર કરીશું. ઈશ્વર પરમારને વિનંતી કે તેઓ આ બાબતે જરૃર પડયે મુખ્યમંત્રીને મળી સીબીઆઈ તપાસની માંગ કરે તથા હત્યારાને આજીવન કારાવાસની સજા થાય તેવા ચક્રો ગતિમાન કરે*.

આજે લોકો કેન્ડલ માર્ચ કાઢી રોષ વ્યક્ત કરશે

આવતીકાલે રવિવારે બપોરે 4:30 કલાકે બારડોલી મેઈન રોડ પર બાઈકરેલી કાઢી પોલીસને આવેદનપત્ર આપ્યા બાદ સાંજે ૭:૦૦ કલાકે કેન્ડલમાર્ચ અને મશાલ રેલી કાઢી માસૂમ બાળકની હત્યા કરનારાને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરાશે.

6 દિવસ બાદ પણ નિવની લાશનો કોઇ પત્તો નહિ, પોલીસે પાંચ ટીમ બનાવી

હૈયું હચમચાવનારી આ ઘટનાને 6 દિવસ વિતી ગયા છે છતાં હજી નિવની લાશ મળી નથી. માસૂમના મૃતદેહને શોધવા પોલીસે અલગ-અલગ પાંચ ટીમ બનાવી છે. ૧૦-૧૦ની એક એમ એવી પાંચ અલગ-અલગ ટીમોએ દૂર-દૂર સુધી નદી કાંઠે શોધખોળ હાથ ધરી છે. પોલીસે અલગ એન્ગલથી પણ તપાસ શરૃ કરી છે. નિશિતે ખરેખર નિવને ફેંક્યો છે કે લાશને અન્ય કોઇ જગ્યાએ સગેવગે કરી છે તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.

હત્યારા પિતા નિશિતનો લાઇ ડિટેક્શન ટેસ્ટ કરવામાં આવશે

હત્યારો નિશિત વારંવાર નિવેન બદલી રહ્યો છે.વળી, રિમાન્ડ વેળા પૂછપરછમાં પણ નિશિતે નિવને નદીમાં ફેંકી દીધો હોવાનું જ રટણ કર્યુ હતુ. જોકે, નિવની લાશ હજુ સુધી મળી ન હોય મામલો પેચીદો બની ગયો છે. જેથી વારંવાર નિવેદન બદલતા નિશિતનો પોલીસ લાઇ ડિટેક્શન ટેસ્ટ કરાવશે. જે માટેની જરૃરી પ્રોસેસ પોલીસે શરૃ કરી દીધી છે.

(12:37 pm IST)