ગુજરાત
News of Sunday, 22nd July 2018

ગુજરાતી ભાષાના વારસાને સમૃધ્ધ બનાવવા શબ્દોત્સવ

રાજપથ કલબ ખાતે સાહિત્યરસિકોનો મેળાવડો : ગુજરાતના સાહિત્યક્ષેત્રે ઉભરતા લેખકો, વાર્તાકારો અને કવિઓને પોતાની કૃતિ રજૂ કરવા માટેની તક પુરી પડાઈ

અમદાવાદ, તા.૨૧ : માતૃભાષા ગુજરાતીના વારસા અને સાંસ્કૃતિક ધરોહરને સમૃધ્ધ બનાવવાના ઉમદા આશય સાથે આજે અમદાવાદ શહેરમાં અનોખો શબ્દોત્સવ યોજાયો હતો. ગુજરાતના સાહિત્યક્ષેત્રે ઉભરતા લેખકો, વાર્તાકારો અને કવિઓને પોતાની કૃતિ રજૂ કરવાની ઉત્કૃષ્ટ પ્લેટફોર્મ પૂરું પાડતી સંસ્થા માતૃભારતી દ્વારા રાજપથ કલબ ખાતે આ શબ્દોત્સવમાં જાણીતા અને સુપ્રસિધ્ધ લેખકો, સાહિત્યકારો, નાટયકારો અને કવિઓનો મેળાવડો જામ્યો હતો. માતૃભારતીની વેબસાઇટ પર અત્યારસુધીમાં ૧૫ હજારથી વધુ વાર્તાઓ પ્રકાશિત થઇ છે અને ૨,૭૦,૦૦૦ વાચકો સાથે ૩૬ લાખથી વધુ ડાઉનલોડ્સ થયા છે. માતૃભારતી દ્વારા હાલ આઠ ભાષાઓમાં વિવિધ કૃતિઓ ઉપલબ્ધ બનાવાઇ રહી છે અને આગામી દિવસોમાં સાહિત્યરસિક, વાર્તા-નાટય પ્રેમી જનતાના હિતમાં ૨૨ ભાષાઓને આવરી લેવાનું આયોજન છે એમ અત્રે માતૃભારતી સંસ્થાના કો ફાઉન્ડર મહેન્દ્રભાઇ શાહ, દર્શન જાની અને નીલેશભાઇ શાહે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, માતૃભારતીના વિશાળ અને વ્યાપક સંગ્રહમાં સ્વામી વિવેકાનંદ, ટાગોર, પ્રેમચંદ, ઝવેરચંદ મેઘાણીથી લઇ કાજલ ઓઝા સહિતના અનેક દિગ્ગજોના પુસ્તકો પણ સામેલ છે. હાલ રોજ છ હજાર જેટલા વાચકો ૪૦થી ૪૫ મિનિટ સુધી માતૃભારતીના પ્લેટફોર્મ થકી સાહિત્યિક રસથાળની લુત્ફ ઉઠાવી રહ્યા છે. માતૃભારતી સંસ્થાના કો ફાઉન્ડર મહેન્દ્રભાઇ શાહ, દર્શન જાની અને નીલેશભાઇ શાહે ઉમેર્યું કે, ગુજરાતના ઉભરતાં અને યુવાન સાહિત્યકારો અને વાર્તાકારોને પોતાનું સાહિત્ય પ્રદર્શિત કરવા માટે મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવા અને સાહિત્ય રસિકોને વાંચવા માટે શ્રેષ્ઠ કૃતિઓ ઉપલબ્ધ કરાવતા માતૃભારતી (ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુ માતૃભારતી.કોમ) દ્વારા આજે રંગ, તરંગ, વ્યંગ અને ઉમંગની સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભાષા અને ભીંજાવાના અવસર સમા શબ્દોત્સવ કાર્યક્રમનું સંચાલન ગુજરાતના પ્રખ્યાત લેખક અને કવિ રઇશ મણીયાર દ્વારા કરાયું હતું.  શબ્દોત્સવ કાર્યક્રમ અંતર્ગત કવિ સંમેલન, યુવા કેન્દ્રિત નાટક, ઉભરતાં લેખકો દ્વારા વક્તવ્ય, સ્ટેન્ડઅપ કોમેડી પણ યોજાઇ હતી. વિરલ દેસાઇ, અનિલ ચાવડા અને ગોપાલી બૂચ દ્વારા કાવ્ય પ્રસ્તુતિ, પ્રવિણ પિઠડીયા, રાકેશ ઠક્કર, હિરેન કે. ભટ્ટ, જતીન પટેલ, મનહર ઓઝા, પરમ દેસાઇ, મેર મેહુલ અને ભાર્ગવ પટેલ દ્વારા વિવિધ વિષયો ઉપર વક્તવ્ય અપાયું હતું. કાર્યક્રમના અંતે ગુજરાતી લેખક હિરેન કવાડ દ્વારા લિખિત 'ધ લાસ્ટ યર' પુસ્તકનું પણ અનાવરણ તેમજ માતૃભારતી દ્વારા શબ્દોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રોતાઓના મનોરંજન માટે લાઇવ અભિવ્યક્તિ પ્રતિયોગિતાનું પણ આયોજન કરાયું હતું, જેમાં એક શબ્દ ઉપરથી શ્રોતાઓને નવીન રચના રજૂ કરવાની તક અપાઇ હતી અને શ્રેષ્ઠ રચના પ્રસ્તુત કરનાર શ્રોતાને ઇનામ પણ અપાયું હતું. ઉલ્લેખનીય છે કે,ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુ.માતૃભારતી.કોમ ગુજરાતના સાહિત્યક્ષેત્રે ઉભરતા લેખકો, વાર્તાકારો અને કવિઓને પોતાની કૃતિ લોકો સમક્ષ રજૂ કરવા માટે તથા મોટા સમૂહ સુધી પહોંચાડવા અદ્ભુત પ્લેટફોર્મ પૂરું પાડે છે. અહીં આઠ જુદી-જુદી ભાષાઓમાં મહાન લેખકોના પુસ્તકો ઇ-બુક તરીકે ખરીદીને વાંચી શકાય છે, જેમાં સ્વામી વિવેકાનંદ, ટાગોર, પ્રેમચંદ, ઝવેરચંદ મેઘાણી, કાજલ ઓઝા વગેરેના પુસ્તકો પણ સામેલ છે. આ ઉપરાંત તેની વિશિષ્ટ મોબાઇલ એન્ડ્રોઇડ અને આઇઓએસને સપોર્ટ કરે છે, જેથી વાચકો કોઇપણ સ્થળેથી તેમના પસંદગીના અહેવાલો વાંચી શકે છે.

 

(9:17 pm IST)