ગુજરાત
News of Sunday, 22nd July 2018

સિવિલ સંકુલમાં પીએસઆઇ પર યુવકના હુમલાથી ચકચાર

હુમલો કરનાર આરોપીની ધરપકડ કરી લેવાઈ : કેદી જાપ્તો લઇને આવેલા પીએસઆઇ ઉપર યુવકે હુમલો કરીને ધમકી આપી : પીએસઆઇની વર્દી પણ ફાડી કાઢી

અમદાવાદ,તા. ૨૧ : શહેરના અસારવા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં કેદી જાપ્તો લઇને આવેલા એક પીએસઆઇ પર એક યુવકે જાહેરમાં હુમલો કરતાં સિવિલ સંકુલમાં ભારે ચકચાર મચી ગઇ હતી. માધુપુરા પોલીસ લાઇનમાં રહેતા અને શાહીબાગ પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા રામસિંહ ડાભીએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં હુમલો કરનાર યુવક વિરુદ્ધમાં ફરિયાદ કરી હતી. જેને પગલે પોલીસે આરોપી યુવક મહેન્દ્ર ઉર્ફે સિકંદર પટણીની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી કરી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ગઇકાલે પીએસઆઇ રામસિંહ ડાભી પોલીસવાન લઇને કેદીઓને લેવા માટે સાબરમતી સેન્ટ્રલ જેલમાં ગયા હતા. સેન્ટ્રલ જેલમાંથી સાત આરોપીઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવાના હતા.  રામસિંહ સાત આરોપીઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા. જ્યાં તમામને અલગ અલગ વોર્ડમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલના ગેટ નંબર-પ પાસે પોલીસવાન ઊભી હતી. સાત પૈકી પાંચ આરોપીઓની સારવાર પૂરી થઇ જતાં તેઓ તેમની વાનમાં પરત આવી ગયા હતા, જ્યારે અન્ય બે આરોપીઓની સારવાર ચાલુ હોવાથી રામસિંહ સહિત તમામ પોલીસ કર્મચારીઓ તેમની રાહ જોઇને ઊભા હતા. પાંચ આરોપીઓ વાનમાં બેસી ગયા હતા તે સમયે પોલીસવાન પાસે આવીને એક યુવકે બે આરોપીઓને પાન-મસાલા આપવાની કોશિશ કરી હતી. પીએસઆઇ રામસિંહે પાન-મસાલા આપવાની ના પાડતાં તે યુવક એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને સાલા, તું મને જાણતો નથી, મેં મર્ડર કરેલું છે. આ વિસ્તારમાં મારાથી લોકો ડરે છે તેમ કહીને પીએસઆઇ પર હુમલો કરી દીધો હતો. યુવકે પીએસઆઇની વર્દી પણ ફાડી નાખી હતી. પીએસઆઇ પર હુમલો કરતાં અન્ય પોલીસ કર્મચારીઓ દોડી આવ્યા હતા અને યુવકને પકડી પાડ્યો હતો. તેની પૂછપરછ કરતાં તેનું નામ મહેન્દ્ર ઉર્ફે સિકંદર પટણી હોવાનું સામે આવ્યું હતું. પીએસઆઇએ આ મામલે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જેને પગલે પોલીસે આરોપી મહેન્દ્ર ઉર્ફે સિકંદર પટણીની ધરપકડ કરી તેની વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

(7:18 pm IST)