ગુજરાત
News of Tuesday, 22nd June 2021

કલેકટર કચેરી ખાતે ૨૦ યોગ પ્રશિક્ષકોનું કલેકટરના હસ્તે બહુમાન : સીએમની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ

રાજકોટ :  મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સાતમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્ત્।ે રાજયભરના યોગ ટ્રેનર્સ અને કોચનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજયના નાગરિકોને 'વિશ્વ યોગ દિવસ'ની શુભેચ્છા આપતાં જણાવ્યું હતું કે, ભારતના ઋષિમુનિઓએ દેશને આપેલો યોગનો અમૂલ્ય વારસો લોકોના તન અને મન બંનેને તંદુરસ્તી બક્ષે છે. કોરોનાની મહામારીને ખાળવામાં યોગનું મહત્વ વીતેલા વર્ષમાં ખૂબ સારી રીતે પ્રસ્થાપિત થયું છે, ત્યારે દેશના નાગરિકોએ યોગાસનોને રોજિંદા જીવનનો ભાગ બનાવવો જોઇએ. વડાપ્રધાનશ્રી મોદીએ યોગને સમગ્ર વિશ્વમાં પ્રચલિત બનાવ્યો છે. રાજયમાં ૧ લાખ કોરોના ટ્રેનર્સના માધ્યમ થકી ૨૫ હજાર યોગના વર્ગો ચલાવવાનું રાજયસરકારનું આયોજન છે, જેનાથી દિવ્ય ગુજરાતનું નિર્માણ શકય બનશે.

ગાંધીનગર ખાતે યોજાયેલા ઓનલાઇન કાર્યક્રમમાં રમત-ગમત મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ, ગુજરાત યોગ બોર્ડના ચેરમેનશ્રી શીશપાલસિંહ રાજપૂત, સભ્યસચિવશ્રી ભાનુભાઇ ચૌધરી, સભ્યશ્રી ભાનુભાઇ પટેલ, રમત-ગમત વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી સી.વી.સોમ, તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે 'યોગમય ગુજરાત' અંગેની ટૂકી ડોકયુમેન્ટ્રી ફિલ્મનું પ્રસારણ કરાયું હતું.

રાજકોટ કલેકટર કચેરી ખાતે સાંસદશ્રી મોહનભાઇ કુંડારિયા અને શ્રી રામભાઇ મોકરિયા, ધારાસભ્યશ્રી ગોવિંદભાઇ પટેલ અને શ્રી લાખાભાઇ સાગઠિયા, કલેકટરશ્રી રેમ્યા મોહન, નિવાસી અધિક કલેકટરશ્રી પરિમલ પંડયા, ગુજરાત રાજય યોગ બોર્ડના સભ્યશ્રી પ્રકાશ ટીપરેએ છેલ્લા એક વર્ષ દરમ્યાન યોગની ટ્રેનીંગ લીધેલા ૧૦ કોચ અને ૧૦ ટ્રેનર્સને સન્માનપત્ર આપી બિરદાવ્યા હતા.

કાર્યક્રમના પ્રારંભે જિલ્લા રમત-ગમત અધિકારીશ્રી વી.પી.જાડેજાએ આમંત્રિતોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને કાર્યક્રમની રૂપરેખા સમજાવી હતી. આ પ્રસંગે રાજકોટ જિલ્લાના યોગ પ્રશિક્ષકો, વિદ્યાર્થીઓ અને સંબંધિત સરકારી વિભાગોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહયા હતા.

(4:28 pm IST)