ગુજરાત
News of Tuesday, 22nd June 2021

ડીપ્લોમાં એન્જીનીયરીંગ કોર્ષમાં રજીસ્ટ્રેશન ધીમુ : માર્કશીટ વગર વાલીઓ દ્વિધામાં

વાલી - વિદ્યાર્થીઓની વ્યાપક પૂછપરછ પરંતુ ૫ દિવસમાં અઢી હજાર પ્રવેશ ઇચ્છુકોનું રજીસ્ટ્રેશન

રાજકોટ તા. ૨૨ : કોરોનાના સમયમાં ધો. ૧૦માં માસ પ્રમોશન આપવામાં આવ્યું છે ત્યારે પ્રવેશમાં વિદ્યાર્થીઓનો સંભવત ધસારો ન થાય અને છાત્રોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે આ વર્ષ માર્કશીટ આવ્યા પહેલા જ ડીપ્લોમાં ઇજનેરી કોર્ષમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા વહેલી શરૂ કરવામાં આવી હતી પરંતુ છાત્રો - વાલીઓ દ્વારા રજીસ્ટ્રેશન ઓછું પૂછપરછ વધતા વહેલું રજીસ્ટ્રેશન પ્રક્રિયાને ભારે અસર પહોંચી છે.

 

ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ માટે ૧૭મીથી ઓનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામા આવી છે. વિદ્યાર્થીઓ પાસે માર્કશીટ ન હોવાથી હાલમાં રજિસ્ટ્રેશન કરવાનો કોઇ અર્થ નથી તેવી રજૂઆત જુદી જુદી કોલેજના સંચાલકોએ કરી હતી. જોકે, વહેલી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવે તો પ્રવેશ માટે કેટલા વિદ્યાર્થીઓ દાવો કરે છે તેની સંખ્યા જાણી શકાય અને તે પ્રમાણે વ્યવસ્થા કરી શકાય તેવા હેતુથી આ કામગીરી કરવામાં આવી હતી. રજિસ્ટ્રેશન શરૂ થયાને પાંચ દિવસ પછી અંદાજે અઢીહજાર જેટલા વિદ્યાર્થીઓ જ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે.

માર્કશીટ પછી આ કામગીરી શરૂ કરવામાં આવે તો પાંચ દિવસમાં ૧૦ હજારથી વધારે વિદ્યાર્થીઓનુ રજિસ્ટ્રેશન થતુ હોય છે. કોલેજના સંચાલકો કહે છે હાલમાં વિદ્યાર્થી-વાલીઓ પૂછપરછ માટે આવે છે પરંતુ માર્કશીટ ન હોવાથી રજિસ્ટ્રેશન કરાવવાનો નિર્ણય કરી શકતા નથી.

(3:28 pm IST)