મધરાત્રે વડોદરાના માંજલપુરમાં કલાક સુધી લાઈટ ગુલ થતા રહીશોને હાલાકી
વડોદરા:ગઇ મોડી રાત્રે શહેરના માંજલપુર વિસ્તારમાં લગભગ સવા કલાક સુધી લાઇટો જતાં ગરમી- બફારાથી અકળાયેલા લોકો પથારી છોડીને, હવા ખાવા રોડ પર આવી ગયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગઇ મોડી રાત્રે ૧ ના સુમારે એમજીવીસીએલના લાલ બાગ સબડિવિઝનના ૧૧ કેવી માંજલપુર ફીડરમાં અજ્ઞાાત કારણોસર કેબલ ફોલ્ટ થતાં એને 'એટેન્ડ' કરવા માટે કરવા પડેલા શટડાઉનથી માંજલપુર સહિતના આસપાસના કેટલાક વિસ્તારોમાં એકાએક લાઇટો ગુલ થઇ ગઇ હતી. જેના પરિણામે ઘરના પંખા, કૂલર અને એ.સી. મશીન અટકી ગયા હતા. જેથી ત્રાહિમામ ગરમીમાં લોકો ઠંડક મેળવવા રોડ પર આવી ગયા હતા.
તરસાલી સબસ્ટેસનમાં ૧૪ ફીડર કાર્યરત છે, જે પૈકી માંજલપુર ફીડરથી ઇન્દ્ર કોમ્પ્લેક્ષ, સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ અને શ્રેયસ વિદ્યાલય આસપાસના વિસ્તારોમાં વીજપુરવઠો પહોંચે છે.