ગુજરાત
News of Friday, 22nd June 2018

આણંદ એલસીબીએ વઘાસીની સીમમાં છાપો મારી મકાનમાંથી 25200નો દારૂનો જથ્થો ઝડપ્યો

આણંદ: એલસીબી પોલીસે ગઈકાલે બપોરના સુમારે વઘાસી ગામની વેથલીપુરા સીમમાં છાપો મારીને એક મકાનમાંથી ૨૫૨૦૦ના વિદેશી દારૂ સાથે મોગરના બુટલેગરને ઝડપી પાડીને કુલ ચાર શખ્સો વિરૂધ્ધ પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર પેટ્રોલીંગ કરી રહેલી એલસીબીને એક હકીકત મળી હતી કે, મોગર ગામની રામદેવ સોસાયટીમાં રહેતો પુનમભાઈ માલાભાઈ તળપદા વિદેશી દારૂનો ધંધો કરે છે અને આજે બપોરના સુમારે તેણે વઘાસી વેથલીપુરા ખાતે રહેતા તેના મિત્ર ફુલસીંગ ઉર્ફે ફુલીયો છગનભાઈ ચૌહાણને ત્યાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતાર્યો છે. જેથી પોલીસે છાપો મારતાં વિદેશી દારૂની પેટીઓ ગોઠવતો પુનમભાઈ તળપદા ભાગવા ગયો હતો પરંતુ પોલીસે તેને કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો અને ઘરની તલાશી લેતાં અંદરથી વિદેશી દારૂ તેમ બીયરની કુલ ૯૩ બોટલો કે જેની કિંમત ૨૫૨૦૦ રૂપિયા જેટલી થવા જાય છે તે મળી આવ્યો હતો. 
પોલીસે પુનમભાઈની પુછપરછ કરતાં આ વિદેશી દારૂ વડોદરા ખાતે રહેતા નરેશ અને અરવિંદભાઈ ઈન્ડિકા કારમા આપી ગયા હોવાની કબૂલાત કરી હતી જેથી પોલીસે તેઓને પણ ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(6:25 pm IST)