ગુજરાત
News of Friday, 22nd June 2018

અમદાવાદ કોર્પોરેશન દ્વારા નરેન્દ્રભાઇ મોદીના ભાઇ પ્રહલાદભાઇ મોદીને ૩ નોટિસ ફટકારાઇઃ ગેરકાયદે બાંધકામ નહીં હટાવાય તો આવતા મહિને તોડી પડાશે

અમદાવાદઃ વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના ભાઇ પ્રહલાદભાઇ મોદીને અમદાવાદ કોર્પોરેશન દ્વારા ગેરકાયદે બાંધકામ દૂર કરવા ૩ નોટિસ ફટકારાઇ છે અને બાંધકામ દૂર ન કરાય તો આ બાંધકામ તોડી પાડવામાં આવશે તેમ નોટિસમાં જણાવાયું છે.

પ્રહલાદભાઇ મોદીને શહેરના રબારી કોલોની વિસ્તારમાં આવેલી પોતાની રેશનિંગની દુકાનની બાજુમાં ગેરકાયદે બાંધકામ કરવાનો આરોપ છે. આ મકાનને આવતા મહિને તોડી પાડવામાં આવશે તેવું પણ સૂત્રોનું કહેવું છે.

કોર્પોરેશનના અધિકારીઓનું કહેવું છે કે, પ્રહલાદભાઇ મોદી દ્વારા કરાયેલું બાંધકામ ગેરકાયદે છે, અને તેમને આ બાંધકામ અટકાવવા તેમજ પોતાનો પ્લાન મંજૂર કરાવવા માટે પણ કહેવામાં આવ્યું હતું. હાલ છત્તિસગઢમાં રહેલા જણાવ્યું હતું કે, તેમને પોતાના સૂત્રો દ્વારા ખબર પડી છે કે, તેમને નોટિસ મોકલવામાં આવી છે.

પ્રહલાદભાઇ મોદીએ દાવો કર્યો છે કે, તેમણે ઈમ્પેક્ટ ફી ભરીને ગેરકાયદે બાંધકામને નિયમિત કરાવ્યું હતું. પરંતુ 2015માં તેમને લાગ્યું કે આ બાંધકામ ગમે ત્યારે પડી જશે, માટે તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગને પત્ર લખીને બાંધકામની ચકાસણી કરી તે જૂનું બાંધકામ છે તેવું સર્ટિફાય કરવા કહ્યું હતું, પરંતુ કોર્પોરેશનમાંથી કોઈ આવ્યું નહીં, અને તે જ ગાળામાં બાંધકામ તૂટી પડ્યું.

તેમનું કહેવું છે કે, બાંધકામ તૂટી પડ્યું તેમમાં કોઈને ઈજા નહોતી થઈ. જો તેમ થયું હોત તો મોટો વિવાદ સર્જાયો હોત. કોર્પોરેશન દ્વારા જૂના બાંધકામને નિયમિત કરી દેવાયું હોવાથી મેં ફરી ત્યાં બાદકામ શરુ કર્યુ હતું. જોકે, જેના માટે મેં ઈમ્પેક્ટ ફી ભરી દીધી છે, તે જ બાંધકામને હવે ગેરકાયદે ગણાવવામાં આવી રહ્યું છે.

ગુજરાત રાજ્યની રેશનિંગની દુકાનોના માલિકોના સંગઠનના પ્રમુખ પ્રહલાદભાઇ મોદીએ 2017માં ચિમકી આપી હતી કે જો કેન્દ્ર સરકાર ઉજ્વલા યોજના હેઠળ રેશનિંગની દુકાન ધરાવતા લોકોને ગેસ સિલિન્ડર વેચવાની પરવાનગી નહીં આપે તો તમામ દુકાનદારો અનિશ્ચિત મુદ્દતની હડતાળ પર જશે. પ્રહલાદભાઇ મોદી અનેકવાર રેશનિંગની દુકાનોના માલિકોના પ્રશ્નોને લઈ કેન્દ્ર સરકાર પર પ્રહારો કરવા બાબતે સમાચારોમાં ચમકી ચૂક્યા છે.

(5:25 pm IST)