ગુજરાત
News of Friday, 22nd June 2018

અમદાવાદે સ્‍માર્ટ સીટી પ્રોજેક્ટ મિશન હેઠળ ૩પ પ્રોજેક્ટ પૂર્ણ કર્યાઃ રસ્‍તાઓ ઉપર સીસીટીવી કેમેરા, પાર્કિંગ માટે મોબાઇલ અેપ્લીકેશન વગેરે કાર્યો ગતિમાં

અમદાવાદ: દેશમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટની સૌથી ઝડપી અમલવારી કરનાર શહેરોમાં અમદાવાદ સહિત રાજ્યના અન્ય બે શહેરોનો સમાવેશ થાય છે. અમદાવાદમાં ગત વર્ષે જૂન મહિનાથી સ્માર્ટ સિટીના માપદંડો પૂરા કરવા માટે પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે. EOI અને ટેક્નિકલ પ્રોબ્લેમ્સનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે છે જેથી પ્રોજેક્ટ સમય મર્યાદામાં પૂરો કરી શકાય. અમદાવાદે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ મિશન હેઠળ 35 પ્રોજેક્ટ પૂરા કરી લીધા છે.

અમદાવાદે પૂરા કરેલા 35 પ્રોજેક્ટ્સમાં એરિયા આધારિત વિકાસ, ટ્રાસિઝ ઓરિએન્ટેડ ઝોન (TOZ)માં રેટ્રોફિટિંગ, રામપીરના ટેકરા પાસે ઝૂંપડપટ્ટીઓને પાછી મૂકવી, મલ્ટિ લેવલ પાર્કિંગ સાથે CG રોડનું રિડેવલપમેન્ટ, 60 MLDનું સુએજ પમ્પિંગ સ્ટેશન, 24 કલાક પાણી સપ્લાય માટે મીટર નાખ્યા, LED સ્ટ્રીટ લાઈટ અને આખા શહેરમાં ઓપ્ટિકલ ફાયબર નેટવર્કની વ્યવસ્થાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત શહેરના 186 સ્થળોને વાઈફાઈ ઝોન બનાવાયા છે જેથી નાગરિકો ફ્રી ઈન્ટરનેટ વાપરી શકે. AMCની પબ્લિક ઓફિસ, BRTS કોરિડોર, LG, VS અને શારદાબેન હોસ્પિટલ વાઈફાઈ ઝોન છે.

ટેન્ડરની ગુણવત્તા, વર્ક ઓર્ડર, પૂરા થયેલા કામની ગુણવત્તા, કેટલો વપરાશ થાય છે તેનું સર્ટિફિકેટ, કુલ પ્રોજેક્ટ પાછળ કેટલું ફંડ ખર્ચાયું તેના આધારે સ્માર્ટ સિટીનું રેન્કિંગ નક્કી કરાય છે. આ માહિતી જણાવેલી ફોર્મ્યુલા અને પોઈન્ટમાં ભરવામાં આવે છે. દાખલા તરીકે અમદાવાદે 202.4 પોઈન્ટ મેળવ્યા, વડોદરાએ 195.31, સુરતે 179.33 અને રાજકોટે 76.8 પોઈન્ટ્સ મેળવ્યા. તો ગાંધીનગરે માત્ર 16.55 પોઈન્ટ મેળવ્યા.

જનમિત્ર પેમેન્ટ કાર્ડ દ્વારા મ્યુનિસિપલ બિલ અને ટેક્સ, ખરીદી પર ડિસ્કાઉંટ, AMTS-BRTSની બસ ટિકિટ મેળવી શકાય છે. આ કાર્ડ 75 રૂપિયામાં મળે છે. અત્યારે 2.15 લાખ અમદાવાદીઓ આ કાર્ડનો ઉપયોગ કરે છે. આ સિવાય એન્વાર્યમેન્ટ સેન્સર, રોડ પર CCTV કેમેરા, પાર્કિંગ બુક કરાવવા માટે એપ વગેરે જેવા કાર્યો ચાલુ છે.

(5:18 pm IST)