ગુજરાત
News of Friday, 22nd June 2018

અરવલ્લીની પર્વતમાળાઓ ઉપર ખોદકામ દરમિયાન ત્રીજી સદીના બૌદ્ધ સ્‍થાપત્ય અંગેની નિશાની મળી

અમદાવાદઃ ઉત્તર ગુજરાતમાં અરવલ્લીની પર્વતમાળાનો ભાગ તરંગા હિલને બૌદ્ધ ધર્મ માટે મહત્વનું કેન્દ્ર માનવામાં આવે છે. અહીં 3જી સદીનો દેવની મોરી નામનો એક સ્તુપ મળી આવ્યો હતો. ASI દ્વારા આ વિસ્તારમાં શોધખોળ ચાલુ જ રાખવામાં આવી હતી, જેના કારણે તેમને અનેક નવી વસ્તુઓ મળી આવી છે.

ASIને બૌદ્ધ સ્તુપ જેવું સ્થાપત્ય મળી આવ્યું છે. માનવામાં આવે છે કે આ સ્થાપત્ય ક્ષત્રપ યુગ સમયનું છે. આર્કિયોલોજિસ્ટ ડોક્ટર અભિજીત આંબેકરના નેતૃત્વમાં ઉત્ખનન કરનાર બ્રાન્ચ 5 દ્વારા હવે આસપાસના અન્ય વિસ્તારોમાં પણ શોધખોળ શરુ કરવામાં આવશે.

એક સીનિયર ASI અધિકારીએ જણાવ્યું કે, તારંગા ટેકરીના સૌથી ઉપરના પોઈન્ટ પર એક માટીનો ઢગલો મળી આવ્યો હતો. ત્યારપછી અમે તે સાઈટનું ખોદકામ કરવાનો નિર્ણય કર્યો. ખોદકામ દરમિયાન એક ગોળ બાંધકામ મળી આવ્યું, જેનું ડાયામીટર લગભગ આઠ મીટર હતું. બાંધકામ પર બળી ગયેલી ઈંટોનું આવરણ છે.

આ સાઈટ અને તાજેતરમાં મળેલા અન્ય સ્થાપત્યો પરથી જાણવા મળે છે કે ઉત્તર ગુજરાતમાં બૌદ્ધ ધર્મના સ્થાપત્યો માટે મહત્વ ધરાવે છે. તાજેતરમાં જ ASIને વડનગરમાં પાંચમી સદીનું 50 મીટર લાંબુ સ્થાપત્ય મળી આવ્યુ હતું. તેનું પણ ધાર્મિક મહત્વ હોવાનું માનવામાં આવે છે.

(5:17 pm IST)