ગુજરાત
News of Wednesday, 22nd May 2019

અભ્યારણમાં વન્ય પ્રાણી માટે પાણી હવાડા હવે ખાલીખમ છે

વન્યપ્રાણીઓ પાણી વિના રઝળવા લાચાર : ગીર પંથક ખાતે પણ પીવાના પાણીના હવાડા-સ્થાનો ખાલી હોવાથી હાલમાં સિંહ ગ્રામ્ય વસ્તીમાં પાણી પીવા પહોંચ્યા

અમદાવાદ,તા.૨૧ : રાજયના વન વિભાગ દ્વારા વાવના રાછેણા અને લોદ્રાણીના રણમાં વન્ય પ્રાણીઓને પાણી પીવા માટે ખાસ હવાડા બનાવવામાં આવ્યા છે, પરંતુ સ્થાનિક કર્મચારીઓની ગંભીર બેદકરકારી અને આળસના કારણે રાછેણાના રણમાં આવેલ ઘુડખર અભ્યારણ્યમાં બનાવેલ વન્યપ્રાણીઓના હવાડા ખાલીખમ જોવા મળ્યા હતા. ઉનાળાની આટલી કાળઝાળ ગરમીમાં પાણી વિના વન્ય પ્રાણીઓ પાણી વગર આમ-તેમ ભટકવા લાચાર બન્યા હતા. વન્ય પ્રાણીઓના પીવાના પાણીના હવાડા ખાલી હોવાની ઘટના સામે આવતાં વન્ય પ્રેમીઓમાં ઉગ્ર રોષની લાગણી ફેલાઇ હતી અને વન વિભાગના કર્મચારીઓની આકરા શબ્દોમાં નિંદા કરી હતી. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ગીર પંથકમાં પણ પીવાના પાણીના હવાડા અને સ્થાનો ખાલી હોવાના કારણે તાજેતરમાં સિંહ ગ્રામ્ય વસ્તીમાં પાણી પીવા પહોંચ્યા હતા, જેના ફોટા અને વીડિયો પણ વાયરલ થયા હતા. આ જ પ્રકારે ઘુડખર અભયારણ્યમાં પણ વન્ય પ્રાણીઓને પાણી પીવા માટે બનાવાયેલા હવાડા ખાલીખમ હોવાની ચોંકાવનારી હકીકતો સામે આવી હતી. દરમ્યાન આ સમગ્ર મામલે રાછેણા ગામના મહિલા સરપંચના પતિ કિરણસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, ઘુડખર અભ્યારણમાં બનાવેલ વન્યપ્રાણીઓના હવાડા જ્યારે પણ જોવા આવીએ ત્યારે કોરાધાકોર પડ્યા હોય છે. વન વિભાગ દ્વારા હવાડા કાયમી ભરવામાં આવતા નથી. હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડતી હોઇ ઘુડખર ઉપરાંત સસલા, નાર, નીલગાય સહિત વન્યપ્રાણીઓ પાણી માટે રઝળી પડ્યા છે. ઉનાળાની આટલી ગરમીમાં પીવાનું પાણી ના મળે તો બિચારા વન્ય પ્રાણીઓ જાય કયાં ? વનવિભાગની આ ગંભીર બેદરકારીને લઇ વન્યપ્રેમીઓમાં પણ ઉગ્ર રોષની લાગણી ફેલાયેલીજોવા મળી રહી છે. સરકારે આ સમગ્ર મામલાને ગંભીરતાથી લઇ તાત્કાલિક કાર્યવાહી કરવી જોઇએ.

(9:15 pm IST)