ગુજરાત
News of Wednesday, 22nd May 2019

ચૂંટણી બાદ કોંગી નેતાઓને મેન્ટલમાં ખસેડવા પડી શકે

જીતુ વાઘાણીના વિવાદિત નિવેદનને લઇ વિવાદ : કોંગ્રેસ પર પ્રહાર કરવામાં છાશવારે બેફામ વાણીવિલાસ કરતાં જીતુ વાઘાણી ફરીથી ભાન ભૂલ્યા : માફીની માંગણી

અમદાવાદ,તા. ૨૧ : ગુજરાત લોકસભાની ચૂંટણી પ્રચાર દરમ્યાન કોંગ્રેસ પર પ્રહાર કરવામાં છાશવારે બેફામ વાણીવિલાસ કરતાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ફરી એકવાર ભાન ભૂલ્યા હતા અને આ વખતે એક્ઝીટ પોલના તારણો બાદ ઉત્સાહના અતિરેકમાં જીતુ વાઘાણીએ એટલી હદ સુધી વિવાદીત નિવેદન કરી નાંખ્યું હતું કે, લોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસના નેતાઓને મેન્ટલ હોસ્પિટલમાં ખસેડવા પડશે. વાઘાણીના આટલી હદ સુધીના વિવાદીત નિવેદનને લઇ ગુજરાત જ નહી પરંતુ દેશના રાજકારણમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. કોંગ્રેસના નેતાઓએ વાઘાણીના નિવેદનને આ માત્ર કોંગ્રેસ જ નહી પરંતુ દેશની જનતાનું અપમાન ગણાવી તેમની પાસે માફીની માંગણી કરી હતી. જેને લઇને હવે સમગ્ર મામલો ગરમાયો છે.  લોકસભાની ચૂંટણીનાં તમામ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. એક્ઝિટ પોલ પ્રમાણે, ભાજપ ફરી સત્તામાં આવી રહ્યું છે. ત્યારે ભારે બહુમતી સાથે સત્તામાં ફરીથી આવતું જણાઇ રહ્યું હોઇ એક્ઝીટ પોલ બાદ જીતુ વાઘાણીનો આત્મવિશ્વાસ જાણે સાતમા આસમાને પહોંચી ગયો છે. ત્યારે તેમને એક્ઝિટ પોલમાં ભારે બહુમતી મળતા જ જીતુ વાઘાણી ફૂલાઇ ગયા હોય તેવું તેમના નિવેદન પરથી દેખાઇ રહ્યું છે. આજે ભાજપના નેત વાઘાણીએ રાષ્ટ્રીય સ્તરના નેતાઓ ન શોભે તેવો વાણીવિલાસ કર્યો હતો. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ આજે એક વિવાદિત નિવેદનથી ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવી ગયો હતો. વાઘાણીએ આજે કોંગ્રેસ પર પ્રહારો કરતા જણાવ્યું કે, કોંગ્રેસના નેતાઓને મેન્ટલ હોસ્પિટલમાં ખસેડવા પડશે. તેમના માટે હાર સ્વીકારવી અઘરી છે. કોંગ્રેસની માનસિક્તાને લઈને વાઘાણીએ નિવેદન આપ્યું હતું. તેમણે આજે એક્ઝિટ પોલને લઇને સવારે પણ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદીનો સામનો કરવા વિપક્ષ પાસે નેતૃત્વ નથી. એકઝીટ પોલના આંકડાઓ બાદ જીતુ વાઘાણીએ જણાવ્યું કે, લોકસભાની ચૂંટણીમાં બીજેપીની જીત નિશ્ચિત છે અને અમે એક્ઝિટ પોલના આંકડાઓ અને જનતાના ચુકાદાને માથે ચઢાવીએ છીએ.

પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગુજરાતના છે, અને આ તેમનું ગુજરાત છે તો સ્વાભાવિક રીતે લોકો પોતાના પનોતા પુત્રોને જ સત્તામાં લાવશેને. ભાજપ ફરીથી એક વખત ગુજરાતમાં ભાજપ તમામે તમામ ૨૬ બેઠકો જીતીને કોંગ્રેસને ક્લિન સ્વીપ કરશે. તેમણે કોંગ્રેસને આડે હાથ લેતા પ્રહારો કર્યા હતા કે, નરેન્દ્ર મોદીનો સામનો કરવા વિપક્ષ પાસે કોઇ મજબૂત નેતૃત્વ નથી. ગુજરાતમાં જ નહીં દિલ્હીમાં પણ નરેન્દ્ર મોદીનો સામનો કરવામાં વિપક્ષ પાંગળો સાબિત થયો છે. કોંગ્રેસ હાર સ્વીકારી શકતી નથી કે પચાવી શકતી નથી અને મને લાગે છે કે, લોકસભાની ચૂંટણી બાદ કોંગ્રેસના નેતાઓને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવા પડશે. વાઘાણીના આ નિવેદનને લઇ જોરદાર હોબાળો અને ઉહાપોહ મચી ગયો હતો. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, પ્રદેશ કોંગ્રેસ પ્રવકતા ડો.મનીષ દોશી સહિતના નેતાઓએ વાઘાણીના નિવેદનની આકરા શબ્દોમાં નિંદા કરી તેને વખોડી કાઢયું હતુ અને વાઘાણીનું નિવેદન એ માત્ર કોંગ્રેસનું નહી પરંતુ ૭૦ વર્ષ સુધી કોંગ્રેસને સાચવનારી જનતાનું અપમાન ગણાવ્યું હતું અને તેને લઇ હવે કોંગ્રેસના નેતાઓએ વાઘાણી પાસે માફીની માંગ કરી હતી.

(8:30 pm IST)