ગુજરાત
News of Tuesday, 22nd May 2018

અરિહન્ત ઇન્સ્ટીટયુટ દેશમાં ૨૧ નવા કોચિંગ કેન્દ્રો કરશે

આઇપીઓથી મૂડીબજારમાં શિક્ષણ સંસ્થાની એન્ટ્રીઃ અરિહંત ઇન્સ્ટીટ્યુટ લિમિટેડનો ઈશ્યુ આજે ખુલશે અને ૨૮મી મેના રોજ બંધ થશે : રોકાણકારોમાં ભારે ઉત્સુકતા

અમદાવાદ,તા. ૨૨ : ચાર્ટડ એકાઉન્ટન્સી અને કંપની સેક્રેટરી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લઇ રહેલા વિદ્યાર્થીઓ માટે કોચિંગ કેન્દ્રો સ્થાપવા અને તે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરૂ પાડવાના કાર્ય સાથે સંકળાયેલી જાણીતી શિક્ષણસંસ્થા અરિહંત ઇન્સ્ટીટયુટ લિમિટેડ અમદાવાદ, ગુજરાત સહિત દેશભરમાં ૨૧ નવા કોંચીગ કેન્દ્રો સ્થાપવા જઇ રહી છે. જેમાં અમદાવાદમાં ત્રણ મળી ગુજરાતમાં કુલ ૧૨ જેટલા કોચીંગ કેન્દ્રો સ્થપાશે. આ સિવાય, રાજસ્થાન, દિલ્હી, મુંબઈ અને થાણે ખાતે પણ નવા કોચીંગ કેન્દ્રો ઉભા કરાશે. વિદ્યાર્થીઓને હાઇટેક અને પધ્ધતિસરના શિક્ષણ માટે અંદાજે રૂ.ચાર કરોડથી પણ વધુના ખર્ચે આ ૨૧ કોચીંગ કેન્દ્રો બે વર્ષમાં સ્થાપવાનું સંસ્થાનું આયોજન છે એમ અત્રે અરિહંત ઇન્સ્ટીટયુટ લિમિટેડના ફાઉન્ડર અને પ્રમોટર સંદીપ કામદારે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ૨૧ નવા કોચીંગ કેન્દ્રોની સ્થાપના ટેકનિકલ માળખું સ્થાપવા, બ્રાન્ડિંગ અને માર્કેટિંગ, કોર્પોરેટ ઓફીસ તરીકેની પુનઃરચના અને કોર્પોરેટ ફંડનો ઉપયોગ કરવાના હેતુસર હવે અરિહંત ઇન્સ્ટીટયુટ લિમિટેડ ૨૫ લાખ ઈક્વિટી શેરનો પોતાનો પ્રથમ આઇપીઓ લાવી રહી છે.  આઇપીઓ મારફતે મૂડી બજારમાં પ્રવેશી રહેલી અરિહંત ઇન્સ્ટીટયુટ લિમિટેડ રાજયની પ્રથમ શિક્ષણ સંસ્થા બનશે. જેના દરેક શેરની અસલ કિંમત (ફેસ વેલ્યુ) ૧૦ રૂપિયા છે. અને તેના દરેક શેરની નિશ્ચિત કિંમત ૩૦ રૂપિયા છે. શૈક્ષણિક કેન્દ્રો સ્થાપીને વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડનાર આ કંપની તેના આઇપીઓ થકી કુલ ૭.૫ કરોડ રૂપિયા ઊભા કરવા માંગે છે. તા. ૨૩મી મે, ૨૦૧૮ના રોજ આ ઈશ્યુ ભરાવાનો ચાલુ થશે અને તા.૨૮ મે,૨૦૧૮ના રોજ તે બંધ થઇ જશે. આ આઇપીઓની બીએસઇ એસએમઇ પ્લેટફોર્મ પર નોંધણી કરવામાં આવશે. જેમાં ઓછામાં ઓછી અરજી ૪૦૦૦ શેરની રહેશે. હાઈ નેટવર્થ ઈન્ડીવિડ્યુઅલ માટેની બીડ લોટ ૮૦૦૦ શેરની રહેશે તથા તેના ૪૦૦૦ના ગુણાંકમાં રહેશે. કંપનીના પ્રમોટર સંદીપ કામદાર વધુમાં ઉમેર્યું હતું  કે  છેલ્લા ૨૨ વર્ષોથી અરિહંત ઇન્સ્ટીટયુટ લિમિટેડ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ ગુણવત્તાનું શિક્ષણ પૂરું પાડી રહી છે અને જેમાં સીએ, સીએસ સહિતની શાખાઓ અને વિવિધ વધુ વિષયોનો સમાવેશ થાય છે. નવા ૨૧ કોચીંગ કેન્દ્રોની સ્થાપના બાદ હવે સંસ્થા દ્વારા સીએમએઆઇ, ગવર્મેન્ટ એક્ઝામીનેશન, વોકેશનલ ટ્રેનીંગ, બીએસએફઆઇ, હેલ્થકેર સહિતના ક્ષેત્રોમાં પણ હવે તેની શૈક્ષણિક અને સમાજિક જવાબદારી વિસ્તારી રહી છે. શિક્ષણક્ષેત્રની ૩૨ સમસ્યાઓ અને પ્રશ્નોના નિરાકરણ માટે અરિહંત ઇન્સ્ટીટયુટ લિમિટેડ દ્વારા એજયુ-૩૨ નામનું એક અનોખુ પોર્ટલ પણ આગામી દિવસોમાં લોન્ચ કરવામાં આવશે.  અરિહંત ઇન્સ્ટીટયુટ લિ. કંપની મુખ્યત્વે ચાર્ટડ એકાઉન્ટન્સી અને કંપની સેક્રેટરી જેવી પરીક્ષાઓમાં ભાગ લઇ રહેલાં વિદ્યાર્થીઓ માટેનાં કોચિંગ કેન્દ્રો માટે પ્રથમ પસંદગી રહી છે. ૧૦,૦૦૦ કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ અમારી કંપનીના કોચિંગ અને માર્ગદર્શનનો લાભ લઇ ચૂક્યા છે કે જે અમારી ઉચ્ચ કામગીરી અને સફળતાનો પૂરાવો છે. અમારી કંપનીના કોચિંગ અને માર્ગદર્શન હેઠળ ૨૦૦૦ કરતાં વધુ ચાર્ટડ એકાઉન્ટન્ટ અને ૧૭૫ કરતાં વધુ કંપની સેક્રેટરીએ તેમની પરીક્ષા પાસ કરી છે અને તે પૈકી ૨૦૫ જેટલાં વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ વધુ માર્ક્સ લાવીને ઝળકી ચૂક્યા છે. આ આઇપીઓ મારફતે અરિહંતનો હેતુ ગુજરાત, રાજસ્થાન, મુંબઈ, થાણેમાં નવા કોચિંગ કેન્દ્રો સ્થાપવા ઉપરાંત ટેકનિકલ માળખું સ્થાપવું, બ્રાન્ડિંગ અને માર્કેટિંગ, કોર્પોરેટ ઓફીસ તરીકેની પુનઃરચના અને કોર્પોરેટ ફંડનો ઉપયોગનો છે. પ્રમોટર અને પ્રમોટર ગ્રુપ કંપનીમાં પેઈડઅપ ઈક્વિટી શેર કેપિટલ ઈસ્યુ કર્યા પછી ૫૭.૮૫% શેર પોતાની પાસે રાખશે. અમદાવાદ સ્થિત મર્ચન્ટ બેંકર મોનાર્ક નેટવર્થ કેપિટલ લિ. આ ઈશ્યુના અગ્રણી મેનેજર છે તેમજ કાર્વી કોપટશેર પ્રાઈવેટ લિમિટેડ રજીસ્ટ્રાર છે.

(10:05 pm IST)