ગુજરાત
News of Tuesday, 22nd May 2018

ખેરાલુના સાગથળામાં જૂથ અથડામણ :સ્થાનિક લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ:બે જવાન ઈજાગ્રસ્ત: 25ની અટકાયત

જંમીન ફાળવણી બાબતે વિવાદ વકરતા બે જૂથ આમનેસામને :પથ્થરમારો-તલવાર અને ધોકા વડે હુમલો :બંને પક્ષના 9 લોકોને ઇજા

મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના સાગથળા ગામે જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે અથડામણ થતા ગામમાં પરિસ્થિતિ વણસી હતી અને પોલીસને પણ આ તકરાર ભારે પડી હતી જેમાં સ્થાનિક લોમકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા બે જવાનને ઇજા પહોંચી હતી પોલીસ 25 લોકોની અટકાયત કરી હતી

  મળતી વિગત મુજબ ખેરાલુ તાલુકામાં આવેલા સાગથળા ગામે પૂર્વ સરપંચના જૂથ દ્વારા ગામમાં જમીન ફાળવણી મામલે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી. જો કે જમીનની ફાળવણી મામલે વિવાદ વધુ વકરતા પંચાયતમાં સરપંચ સાથે ગામના કેટલાક શખ્સો દ્વારા ધમકીઓ આપવામાં આવી હતી. ત્યારે સરપંચે પોલીસને પણ આ બાબતની જાણ કરી હતી. પરંતુ ગઈકાલે મોડી સાંજે સરપંચની કામગીરીથી નારાજ જૂથના કેટલાક ઈસમોએ ઘર બહાર પડેલું ઘોડીયું તોડી પથ્થર મારો કર્યો હતો અને સરપંચ અને તેમના ઘર પર હુમલો કર્યો હતો. બાદમાં ગામમાં રહેતા પંચાયત સભ્યના વિસ્તારમાં ઘુસી અવાયેલા અસામાજિક તત્વોના ટોળાએ તલવાર અને ધોકા વડે 7 જેટલા લોકોને ઇજા પહોંચાડી હતી અને બાઇક્સ અને ઘરની બારીઓમાં તોડફોડ કર્યું હતું. જોત જોતામાં બંને જુથ આમને સામને આવી ગયા હતા. જેમાં બન્ને પક્ષના કુલ 9 જેટલા લોકો ઇજગ્રસ્ત થયા હતા. જેથી તે તમામને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

   બે જૂથો વચ્ચે વ્યાપેલા ભારે અગ્નિને લઈ પોલીસ દ્વારા ગામમાં બંદોબસ્ત અને અટકાયતી પગલાં ભરવામાં આવતા ટોળાએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો. જેમાં વિસનગર ડિવિઝનના ASP હરેશ દુધાતને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેને તાત્કાલિક મહેસાણાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા, સાથે અન્ય એક પોલીસ જવાન પણ જૂથ અથડામણનો ભોગ બન્યો હતો. ત્યારે પરિસ્થિતિ પર કાબુ લેવા પોલીસે 4 જેટલા ટીયર ગેસના સેલ છોડી ટોળાને વિખેર્યું હતું.

   સ્થાનિક લોકોએ પણ પોલીસ પર પથ્થરમારો કરતા અહી નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. જેથી પોલીસે બંને જુથના 25 જેટલા તત્વોની અટકાયત કરી હતી. ગામમાં તંગદિલીના માહોલ વચ્ચે જિલ્લાની વધુ પોલીસ ફોર્સ ઉતારી ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હાલ તો પરિસ્થિતિ કાબુમાં છે.

(9:01 pm IST)